ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી જાપાનની ધરા, સુનામીના ખતરો વધ્યો, દરિયાકિનારા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ
Earthquake Tremors In Japan: જાપાનની ધરા ફરી એક વાર ધણધણી ઉઠી છે. જાપાનના ટોક્યોમાં દક્ષિણ વિસ્તાપમાં આજે સવારે લગભગ 5:00 વાગ્યે ઈઝુ દ્વીપના દરિયાકિનારાના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જાપાનના હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દીધું છે.
5.9ની તીવ્રતાનો ભૂકંપ
લોકોને દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે દરિયામાં એકથી 2 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. આજે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સમુદ્રી દ્વીપ હાચીજો પાસે સમુદ્રમાં સુનામીના નાના મોજા જોવા મળ્યા છે. જો બીજો આંચકો લાગે તો આ મોજા મોટા સુનામીનું સ્વરૂપ લઈ શકે છે. ભૂકંપનું કેન્દ્ર આ દ્વીપથી લગભગ 180 કિલોમીટર દૂર હતું.
મેગાક્વેક એલર્ટ જાહેર, જાણો શું છે એ?
મીડિયા અહેવાલ પ્રમાણે જાપાનની મેટિયોરોલિજકલ એજન્સી (JMA)એ આજે સવારે આવેલા ભૂકંપ બાદ મેગાકંપનું એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ જાપાનમાં પહેલીવાર જારી કરવામાં આવ્યું છે, કારણ કે આજ આવેલા ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર કિનારેથી 25 કિલોમીટર દૂર નાનકાઈ ટર્ફ પાસે મળ્યું છે. આ ટર્ફની નીચે એક વિશાળ ફોલ્ટ ઝોન છે. જ્યારે 8 થી વધુની તીવ્રતા સાથે ભૂકંપ આવવાની સંભાવના હોય ત્યારે મેગાક્વેક એલર્ટ જારી કરવામાં આવે છે.
આજે જાપાનના હવામાન વિભાગે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ મેગાક્વેક એલર્ટ જાહેર કરીને અને 8ની તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જો આટલી તીવ્રતા વાળો ભૂકંપ આવશો તો જાપાનમાં ફરી એકવાર તબાહી સર્જાઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, જાપાનની ધરતીની નીચે 4 મોટી ટેક્ટોનિક પ્લેટો છે અને જ્યારે તે પરસ્પર અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. તેથી, જાપાનમાં દરરોજ ભૂકંપનો ખતરો મંડરાઈ રહે છે. ગત મહિને પણ જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.