ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે પટાંગણમાં લટાર મારી : અર્જુન છોડનું વૃક્ષારોપણ કર્યું
- જયશંકર પાક. વિદેશ મંત્રીને ન મળ્યા
- 9 વર્ષ પછી પાકિસ્તાનની મુલાકાતે જનારા પહેલા વિદેશમંત્રી આ પૂર્વે સુષ્મા સ્વરાજે પાક.ની મુલાકાત લીધી હતી
ઇસ્લામાબાદ : અહીં મળી રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની પરીષદના બીજા દિવસે (બુધવારે) ભારતના વિદેશ મંત્રી સુબ્રમન્યમ્ જયશંકરે બુધવારની સવારે દૂતાવાસના અગ્રીમ સભ્યો સાથે દૂતાવાસનાં પટાંગણમાં લટાર મારી દિવસનો પ્રારંભ કર્યો હતો.
તે સમયે તેઓ મુફ્તિ ડ્રેસમાં હતા. ખૂબ આનંદપૂર્વક દૂતાવાસના સભ્યો સાથે વાતો કરી હતી. તેમણે બોટલ ગ્રીન ફુલ સ્લીવ ટી શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યાં હતાં. તેઓએ દુતાવાસના પટાંગણમાં અર્જુનના છોડ દ્વારા નરેન્દ્ર મોદીનાં એક વૃક્ષ માઁ કે નામનાં સૂત્ર પ્રમાણે વૃક્ષા રોપણ પણ કર્યું હતું. તેઓએ તે સમયનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.
ત્યાર પછી તેઓએ જિન્નાહ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી એસ.સી.ઓ. શિખર પરિષદમાં હાજરી આપી હતી. તેમાં પોતાનાં વક્તવ્યમાં ત્રાસવાદ વિરોધી સખત ઝાટકણી કરી હતી. તેવી જ રીતે ચીનનું નામ લીધા વિના કેટલીક દેશોની અન્ય દેશો દ્વારા ભૂમિ હડપ કરવાના પ્રયાસોની પણ સખત ટીકા કરી હતી.
ઉલ્લેખનીય તે છે કે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ત્રાસવાદને લીધે તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દાર સાથે ઔપચારિક મુલાકાત લેવાનું ટાળ્યું હતું.
આ શિખર પરિષદમાં રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન, ચીનના વડાપ્રધાન લી ક્વીચાંગ, બેલારૂસના વડાપ્રધાન રોમન ગોલોવએન્કો, કાઝાકીસ્તાનના ચેરમેન ઓફ મિનિસ્ટાર્ક કેબિનેટ ઝામારોવ અકીબ બેક અને ઇરાનના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ રેઝા આરીફ ઉપસ્થિત હતા.