આતંકવાદ પર મોટો પ્રહાર, પાકિસ્તાની સૈન્યએ ખૈબર પખ્તૂનખ્વામાં 30 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો
Pakistan News | આજે ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ત્રણ અલગ-અલગ ઓપરેશન દરમિયાન 30 આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ મળ્યા છે.
પાકિસ્તાની સેનાએ પણ કરી પુષ્ટી
30 આતંકીઓ ઠાર મરાયાની પાકિસ્તાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. આતંકવાદીઓ સામે આ કાર્યવાહી લક્કી મર્વત, કરક અને ખૈબર જિલ્લામાં કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના નિવેદન મુજબ લક્કી મર્વત જિલ્લામાં 18 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે કરક જિલ્લામાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત લક્કી મર્વત જિલ્લામાં અન્ય વધુ એક ઓપરેશન દરમિયાન 6 આતંકવાદીઓ પણ ઘાયલ થયા હતા.
પાકિસ્તાની સૈન્યએ લીધો સંકલ્પ
પાકિસ્તાની સૈન્યએ આ કાર્યવાહીને આતંકવાદ સામે સતત કાર્યવાહીનો ભાગ ગણાવ્યો હતો. સેનાના મતે તેનો ઉદ્દેશ્ય દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો અંત લાવવાનો છે. પાક. સેનાએ કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે અમારી કાર્યવાહી ચાલુ રહેશે.
10 આતંકવાદીઓની ધરપકડ
અગાઉ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જૂથ સાથે જોડાયેલા 10 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે શનિવારે આ માહિતી આપી.