તમારી ચૂંટણીમાં અમારૂં નામ લેવું બંધ કરો ભારતના નેતાઓ ઉપર ભડકી ઉઠેલું પાકિસ્તાન
- બિહારનાં મુઝફ્ફરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક. અંગે તાજેતરમાં કરેલી ટીપ્પણી પછી તેનાં વિદેશ મંત્રાલયે નિવેદન કર્યું
ઇસ્લામાબાદ : ભારતમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન પાકિસ્તાને કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન ભારતના નેતાઓએ અમારૂં નામ લેવું ન જોઇએ.
પાકિસ્તાનનાં વિદેશમંત્રાલયની યાદીમાં જણાવ્યું હતું કે ભારતના નેતાઓ રાષ્ટ્રવાદી ભાવનાઓને ઉશ્કેરવા અને તેના ચૂંટણીમાં લાભ લેવા, ભારતના નેતાઓ પાકિસ્તાનનો વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છે.
પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે તેનાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'અમે ભારતના નેતાઓને અનુરોધ કરીએ છીએ કે, તેઓ ચૂંટણી લાભ માટે અમારૂં નામ લેવું બંધ કરે. ભારતીય નેતાઓની આ બયાનબાજી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ભયાવહ છે, તે સૌથી ગંભીર ખતરારૂપ બની રહે છે.
પાકિસ્તાનનાં અગ્રીમ અખબાર ડોનના જણાવ્યા પ્રમાણે બિહારનાં મુઝફ્ફરનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલી ટીકાઓના સંદર્ભમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયોએ આ અંગે નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું.
ડોને વધુમાં જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે મોદી સરકાર પાકિસ્તાનના કબ્જાવાળાં જમ્મુ કાશ્મીર (પીઓકે) લઇને જ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પી.ઓ.કે.માં થઇ રહેલાં વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પીઓકે ભારતના જ વિસ્તાર છે ભારતનો ભાગ છે, અમે તે લઇને જ રહેશું.
શાહે વધુમાં કહ્યું હતું કે ૨૦૧૯માં સંવિધાનનો અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયા પછી એક સમયે અશાંત રહેલાં જમ્મુ કાશ્મીરમાં શાંતિ પ્રસરી રહી છે. જ્યારે પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનનો અને આઝાદીના નારા ગાજે છે. પાકિસ્તાન આ કથનોને લીધે પાકિસ્તાન ભડકી ઉઠયું છે.