Get The App

સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી: ભારત બહાર ડો. આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ, મોટી સંખ્યામાં પહોંચ્યા ભારતીયો

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી: ભારત બહાર ડો. આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ, મોટી સંખ્યામાં પહોંચ્યા ભારતીયો 1 - image


Image Source: Twitter

- ડો. બી.આર. આંબેડકરની આ પ્રતિમા વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરીલેન્ડમાં સ્થાપિત કરવામાં આવી

નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

ભારતના બંધારણના નિર્માતા ડો. બી.આર. આંબેડકરની અમેરિકાની સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા અને તેઓએ 'જય ભીમ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ડો.આંબેડકરની પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' નામ આપવામાં આવ્યું છે. ડો. બી.આર. આંબેડકરની આ પ્રતિમા વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરીલેન્ડમાં સ્થાપિત કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાજર રહ્યા

પ્રતિમાના અનાવરણ સમયે આખા અમેરિકા અને ભારતથી કેટલાક લોકો મેરીલેન્ડમાં હાજર રહ્યા હતા. કેટલાક લોકો તો લગભગ 10 કલાકનો સફર કરીને ત્યાં પહોંચ્યા હતા. આ ઐતિહાસિક અવસર પર લગભગ 500 ભારતીયો અથવા ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા. અમેરિકામાં સ્થાપિત કરવામાં આવી ડો. આંબેડકરની આ પ્રતિમાનું નિર્માણ પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતારે કર્યું હતું. રામ સુતારે જ ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થિત સરદાર પટેલની પ્રતિમાનું પણ નિર્માણ કર્યું હતું. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના અધ્યક્ષ રામ કુમારે કહ્યું કે, આ પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' નામ આપવામાં આવ્યું છે કારણ કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ અસમાનતા અલગ-અલગ રૂપમાં જોવા મળે જ છે.

દિવસેને દિવસે લોકોમાં ડો. આંબેડકરની લોકપ્રિયતા વધી રહી છે

14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા ડો. ભીમરાવ આંબેડકર પોતાના અનુયાયીઓની વચ્ચે બાબા સાહેબ તરીકે પ્રસિદ્ધ હતા અને તેઓ ભારતની બંધારણ સભાની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસથી 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' દક્ષિણમાં લગભગ 22 માઈલ દૂર છે. 13 એકરમાં બનેલા આ સેન્ટરમાં પ્રતિમા ઉપરાંત લાઈબ્રેરી, કન્વેન્શન સેન્ટર અને બુદ્ધ ગાર્ડન પણ છે. દલિત ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ કુમાર નારાએ જણાવ્યું કે, અમેરિકામાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ એ એક ઐતિહાસિક ક્ષણ છે. આઝાદીના 75 વર્ષ બાદ લોકોને હવે એ સમજાયું છે કે ડો. આંબેડકરે કેટલું મહત્વપૂર્ણ કામ કર્યું છે તેથી જ દિવસેને દિવસે તેમની લોકપ્રિયતા વધી રહી છે. પહેલા તેમને માત્ર દલિત નેતા માનવામાં આવતા હતા પરંતુ હવે સમગ્ર દેશ જાણે છે કે મહિલા સશક્તિકરણ અને સમાજના નબળા વર્ગો માટે ડો. આંબેડકરનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ છે.

સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભારતના 140 કરોડ લોકો અને 45 લાખ ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરે છે

રવિ કુમાર નારા ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ભારતથી અમેરિકા ગયા છે. અમેરિકામાં આંબેડકર મૂવમેન્ટના નેતા દિલીપ મહાસ્કેએ જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભારતના 140 કરોડ લોકો અને 45 લાખ ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે, આ પ્રતિમા અમેરિકામાં રહેતા ભારતીયોને પ્રેરણા આપતી રહેશે. ડો. આંબેડકરની પ્રતિમાના અનાવરણ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 



Google NewsGoogle News