ગાઝામાં યુદ્ધની તબાહી વચ્ચે, ભૂખમરાની સ્થિતિ યુ.એસ. સહિત 9 દેશોએ યુનોની એજન્સીને મદદ બંધ કરી
- સમગ્ર ગાઝા શહેર અત્યારે કબ્રસ્તાન બની ગયું છે
- યુએન એઈડ એજન્સીના કેટલાંક કર્મચારીઓએ 4 મહિના પૂર્વે ઇઝરાયેલ પરના ઘાતક હુમલામાં ભાગ લીધો હતો, તે બહાનાં નીચે સામાન્ય જનતા પણ દંડાઈ રહી છે
ગાઝા : ગાઝામાં રાહત કાર્ય સંભાળતી યુનોની એજન્સી યુ.એન. એઈડે જણાવ્યું હતું કે, તે હવે આગળ કાર્ય કરી શકે તેમ નથી. કારણ કે, તે કાર્ય માટે ફાળો આપતા નવ દેશોએ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને યુરોપના દેશોનાં અઢળક શસ્ત્રોથી સજ્જ, ઇઝરાયેલે ગાઝામાં તબાહી વેરી નાખી છે. સમગ્ર ગાઝા શહેર ખંડેર બની ગયું છે. જાણે કે તે કબ્રસ્તાનમાં તબદીલ થઈ ગયું છે. ચારે તરફ મલબા અને તબાહીનાં નિશાન દેખાય છે. છતાં ઇઝરાયેલી હુમલા અટકતા નથી, ઉલ્ટાના તેજ થઈ રહ્યાં છે. તેની સેના જમીની હુમલા પણ કરી રહી છે. ગાઝામાં પીડિતોને સહાય કરનારી યુનોની એજન્સી યુએન એઈડને અમેરિકા સહિત ૯ દેશોએ ફંડીંગ બંધ કરતાં ત્યાં હવે ભૂખમરાની સ્થિતિ પ્રવર્તી રહી છે.
આ સહાય બંધ કરવા માટે બહાનું દર્શાવતાં પશ્ચિમના દેશોએ કહ્યું હતું કે, યુએન એઈડ એજન્સીનાં કામ કરતા કેટલાંક પેલેસ્ટાઈનીઓએ ચાર મહીના પૂર્વે ઇઝરાયેલ ઉપર હમાસે કરેલા ઘાતક હુમલામાં ભાગ લીધો હતો. તેથી અમે સહાય કરવી બંધ કરી છે.
આ અંગે યુનોની એ સહાય સંસ્થાના પ્રમુખ ફીલિપ લાઝારીનીએ કહ્યું હતું કે એક તરફ ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ ચાલે છે તેથી ત્યાં અનાજ પહોંચાડવું અનિવાર્ય છે. શુદ્ધ જળ પણ માંડ મળે છે. ત્યાં અનાજ-પાણી પહોંચાડવાં અત્યંત જરૂરી છે. પરંતુ તે માટે નાણાં નથી. અમેરિકા અને સાથી દેશોએ અમને ભંડોળો આપવાં બંધ કર્યા છે. માત્ર થોડા એક પેલેસ્ટાઈનીઓનાં કૃત્યો માટે તમામ પેલેસ્ટાઇનીઓને આ રીતે સામૂહિક સજા કરવી જરા પણ યોગ્ય નથી.
ગાઝાની પરિસ્થિતિ અંગે કેટલાંક નિરીક્ષકોનું તો તેમ માનવું છે કે વાસ્તવમાં ઇઝરાયેલની પાછળ અમેરિકા સહિત પશ્ચિમ યુરોપના દેશો છે. તેઓ તે ૨૨ માઈલ પહોળી પટ્ટીમાંથી પેલેસ્ટાઈની આરબોને હાંકી કાઢવા જ માગે છે. જેથી સિજાઈ દ્વિપકલ્પ ઉપર તેઓનાં યુદ્ધ જહાજો સીધાં લાંગરી શકાય, તેમના સૈનિકો સીધા જ સિનાઈ દ્વિપકલ્પ ઉપર ફરી વળી શકે. આ દ્વિપકલ્પ ઇજીપ્તના હાથમાં છે. પરંતુ ઇજીપ્તનું આ પ્રચંડ તાકાતો સામે શું ગજું છે ?