VIDEO: જર્મની બાદ નાઈઝીરીયામાં ક્રિસમસ દરમિયાન નાસભાગ, 32ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Stampede Broke Out In Nigeria : ક્રિસમસ દરમિયાન જર્મની બાદ હવે નાઈઝીરીયામાં માતમમાં છવાયો છે. અહીં તહેવારની ઉજવણીના બે કાર્યક્રમ દરમિયાન દાન તેમજ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરતી વખતે નાસભાગ મચી છે. પોલીસે આજે કહ્યું કે, ‘આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. ખાદ્ય સામગ્રી લેવા માટે મોટી ભીડ ઉમટી હતી, આ દરમિયાન અચાનક નાસભાગ થતા લોકો જમીન પર પડી ગયા, જેમાં કેટલાક લોકોના મોત થયા છે.’
દાન-ભોજન વિતરણ કાર્યક્રમ દરમિયાન બની દુર્ઘટના
પોલીસ પ્રવક્તા તોચુકુ ઈકેંગાએ કહ્યું કે, ‘દક્ષિણ-પૂર્વ અનમ્બ્રા રાજ્યના ઓકિજા શહેરમાં પ્રથમ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 22 લોકોના મોત થયા છે. ઓકિજામાં ક્રિસમસ તહેવાર નિમિત્રે એક દાનવીરે ભોજન વિતરણનું આયોજન કર્યું હતું, આ દરમિયાન નાસભાગ મચી હતી. આ ઉપરાંત રાજધાની અબુજામાં એક ગિરજાઘરમાં ભોજન તેમજ કપડાં વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 10 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.
જર્મનીમાં પણ 5 લોકોના મોત
આ પહેલા શનિવારે (21 ડિસેમ્બર) જર્મનીમાં ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા અને 7 ભારતીયો સહિત 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણીના અવસર પર યુરોપના બજારોમાં વિવિધ ગીત-સંગીતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અહીં લોકોની ભારે ભીડ જામે છે. આ સમય દરમિયાન લોકોને ગિફ્ટ પણ વહેંચવામાં આવે છે. આ દરમિયાન નાસભાગ મચી જવાને કારણે આ અકસ્માત થયો હતો.