શ્રીલંકા: રાજીનામુ આપવાની પહેલા જ રાષ્ટ્રપતિ સહપરિવાર દેશ છોડીને ભાગ્યા
- રાજપક્ષેના નાના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષેએ ગઈકાલે શ્રીલંકા છોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને રોક્યા હતા
કોલંબો, તા. 13 જુલાઈ 2022, બુધવાર
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ બુધવારે વહેલી સવારે પોતાના દેશથી માલદીવ જવા રવાના થયા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. આ દરમિયાન તેઓ હવે દેશમાંથી ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષેને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કસ્ટડીમાં લેવામાં આવે તેવી સંભાવનાથી બચવા તેઓ પદ છોડ્યા પહેલા જ દેશમાંથી ભાગી ગયા છે. જો કે, ગોટબાયા રાજપક્ષેએ બુધવારે રાજીનામું આપવાનું અને સત્તાના શાંતિપૂર્ણ સંક્રમણનો માર્ગ સ્પષ્ટ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પહેલા જ તેઓ દેશ છોડીને ભાગી ગયા છે.
ઈમિગ્રેશન સૂત્રોએ એએફપીને જણાવ્યું હતું કે, એન્ટોનોવ-32 લશ્કરી વિમાનમાં સવાર ચાર મુસાફરોમાં તે, તેમની પત્ની અને એક અંગરક્ષક હતા. જેમણે શ્રીલંકાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. માલદીવ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, માલદીવ પહોંચતા તેઓને પોલીસ સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
રાજપક્ષેના નાના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષેએ ગઈકાલે શ્રીલંકા છોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને રોક્યા હતા. દેશના સૌથી ખરાબ આર્થિક સંકટ માટે વ્યાપક રૂપથી જવાબદાર ઠેરવવામાં આવી રહેલા 71 વર્ષીય બાસિલ પાજપક્ષેએ સોમવારની રાત્રે કોલંબો એરપોર્ટના વીઆઈપી ટર્મિનલના માધ્યમથી દેશ છોડવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રીલંકા ઈમિગ્રેશન અને ઇમિગ્રેશન ઓફિસર્સ એસોસિએશનએ જણાવ્યું હતું કે, ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને વીઆઈપી ક્લિયરન્સ લાઈન પર સેવા આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને દુબઈ જતી અમીરાતની ફ્લાઈટના મુસાફરોએ પણ તેમના દેશમાંથી જવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકી પાસપોર્ટ ધારક બેસિલે એપ્રિલની શરૂઆતમાં નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.