શ્રીલંકામાં હવે શરિયા કાયદો આવ્યો નિશાન પર, 'એક દેશ, એક કાયદો' લાગુ કરવાની તૈયારી
- વર્ષ 2019માં ઈસ્ટર પ્રસંગે જે આત્મઘાતી હુમલા થયેલા ત્યાર બાદ 'એક દેશ, એક કાયદો' અભિયાને જોર પકડ્યું હતું
નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર, 2021, બુધવાર
શ્રીલંકામાં રાજપક્ષે સરકારે વધી રહેલા ઈસ્લામિક અતિવાદ વિરૂદ્ધ જોરદાર એક્શનની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં 'એક દેશ, એક કાયદો'ની અવધારણા સ્થાપિત કરવા માટે 13 સદસ્યોનું એક કાર્યબળ ગઠિત કર્યું છે. મુસ્લિમ વિરોધી વલણ માટે પંકાયેલા એક કટ્ટર બૌદ્ધ ભિક્ષુ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. વર્ષ 2019ની ચૂંટણીમાં 'એક દેશ, એક કાયદો' રાજપક્ષેનો નારો હતો અને તે ચૂંટણીમાં તેમને દેશની બહુસંખ્યક વસ્તી બૌદ્ધ તરફથી ભારે સમર્થન મળ્યું હતું.
'એક દેશ, એક કાયદો' અવધારણાની સ્થાપના માટે એક વિશેષ રાજપત્ર દ્વારા રાષ્ટ્રપતિએ કાર્યબળ નિયુક્ત કર્યું છે. ગલાગોદાથ જ્ઞાનસારા તેનું નેતૃત્વ કરી રહ્યા છે જે એક કટ્ટર બૌદ્ધ ભિક્ષુ છે અને દેશમાં મુસ્લિમ વિરોધી ભાવનાના પ્રતીક બનેલા છે. જ્ઞાનસારાના બોદુ બાલા સેના (બીબીએસ) કે બૌદ્ધ શક્તિ બળ પર વર્ષ 2013માં મુસ્લિમ વિરોધી દંગામાં સામેલ થવાનો આરોપ લાગ્યો હતો.
આ કાર્ય બળમાં 4 મુસ્લિમ વિદ્વાન સદસ્ય તરીકે છે પરંતુ અલ્પસંખ્યક તમિલોને પ્રતિનિધિત્વ નથી અપાયું. કાર્ય બળ 28 ફેબ્રુઆરી, 2022ના રોજ આ મામલે અંતિમ રિપોર્ટ જમા કરશે અને દર મહિને રાષ્ટ્રપતિને કાર્ય પ્રગતિની જાણ કરતા રહેશે. વર્ષ 2019માં ઈસ્ટર પ્રસંગે જે આત્મઘાતી હુમલા થયેલા ત્યાર બાદ 'એક દેશ, એક કાયદો' અભિયાને જોર પકડ્યું હતું.