Get The App

કોણ છે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ દિસાનાયકે? ચૂંટણીમાં અદાણીનો પ્રોજેક્ટ રદ કરવાનું આપ્યું હતું વચન

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
કોણ છે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ દિસાનાયકે? ચૂંટણીમાં અદાણીનો પ્રોજેક્ટ રદ કરવાનું આપ્યું હતું વચન 1 - image


Sri Lanka New President Anura Kumara Dissanayake : શ્રીલંકાના માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. તેમણે સૌથી વધુ મત મેળવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. અનુરા કુમારાની બમ્પર જીત ભારત માટે બિલકુલ હરખાવા જેવી નથી, કેમ કે તેમને ચીનના સમર્થક માનવામાં આવે છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે શ્રીલંકાના લોકોને ભારત-વિરોધી કહેવાય એવું એક વચન આપ્યું હતું.

આવી રહી શ્રીલંકાની ચૂંટણી

2022 માં ગૃહયુદ્ધ અને ગંભીર આર્થિક કટોકટીનો સામનો કર્યા પછી શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024ના દિવસે શ્રીલંકાના નાગરિકોએ પહેલીવાર નવા રાષ્ટ્રપતિ માટે મતદાન કર્યું હતું. લગભગ 75 ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન દેશમાં કોઈપણ પ્રકારની હિંસક ઘટનાઓ બની નથી. ચૂંટણીમાં જોરદાર જીત મેળવનાર અનુરા કુમારા દિસાનાયકે હવે વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેનું સ્થાન લેશે. વિક્રમસિંઘે જુલાઈ 2022 માં શ્રીલંકાની ડામાડોળ આર્થિક નૌકાની બાગડોર સંભાળી હતી.

અનુરા કુમારાને મળ્યા 52 ટકા મત 

જાહેર થયેલા કુલ મતોમાંથી 7,27,000 મત એટલે કે 52 મત 56 વર્ષીય અનુરા કુમારાને મળ્યા હતા. તેમના સૌથી નજીકના હરીફ અને મુખ્ય વિપક્ષી નેતા 57 વર્ષીય સાજીથ પ્રેમદાસાને 333,000 મત (23 ટકા) મળ્યા હતા. જ્યારે કે 75 વર્ષીય વિક્રમસિંઘેને ફક્ત 2,35,000 મત મળ્યા હતા. એટલે કે વર્તમાન શાસકને માત્ર 16 ટકા જનસમર્થન જ સાંપડ્યું હતું. 

કોણ છે અનુરા કુમારા?

AKD નામથી ઓળખાતા અનુરા કુમારા હાલમાં કોલંબોથી સાંસદ છે. તેઓ બે રાજકીય પક્ષ—પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (જનથા વિમુક્થિ પેરામુના- JVP) અને નેશનલ પીપલ્સ પાવર (NPP)—નું નેતૃત્વ કરી રહ્યા છે. તેમને શ્રીલંકામાં માર્ક્સવાદી વિચારધારા ધરાવતા નેતા માનવામાં આવે છે. 24 નવેમ્બર, 1968ના રોજ જન્મેલા અનુરા કુમારાનું વલણ ચીન તરફી માનવામાં આવે છે. 

આવા વચન આપ્યા હતા 

દેશને નવી રાજકીય સંસ્કૃતિની જરૂર હોવાનું માનતા અનુરા કુમારાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ 45 દિવસોમાં તેઓ સંસદ ભંગ કરી દેશે. તેમણે સમાજના નબળા વર્ગોને સશક્ત બનાવવા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું. ભારતને પ્રતિકૂળ અસર કરે એવું એક વચન પણ તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન આપ્યું હતું.

અદાણીનો પ્રોજેક્ટ રદ કરવાનું વચન

અનુરા કુમારાની પાર્ટી JVPનું વલણ ભારત વિરુદ્ધનું રહ્યું છે. 1980ના દાયકામાં ભારત દ્વારા મોકલવામાં આવેલ શાંતિ રક્ષા દળનો વિરોધ JVP એ કર્યો હતો. તે સમયે ભારતે એલટીટીઈને ખતમ કરવા માટે આ ફોર્સ શ્રીલંકામાં મોકલી હતી. 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન અનુરા કુમારાએ શ્રીલંકાના લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ જીતશે તો તેઓ અદાણીના પવન ઉર્જા પ્રોજેક્ટને રદ કરાવશે. તેમનું કહેવું છે કે અદાણી પ્રોજેક્ટ શ્રીલંકાના ઉર્જા સાર્વભૌમત્વ માટે ખતરાની ઘંટડી છે.

અનુરા કુમારા ખરેખર ભારત વિરોધી છે?

રાજકીય નિષ્ણાંતો કહે છે કે સત્તા મળ્યા પછી જ અનુરા કુમારાનો સાચો રંગ સામે આવશે; તેઓ ભારતને બદલે ચીન તરફ ઢળે એવી સંભાવના વધારે છે. વર્ષ 2021 માં અનુરા કુમારાની પાર્ટીએ પોતાના પ્રચાર માટે બીજા કોઈ દેશની નહીં પણ ચીનની મદદ લીધી હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા હતા, જે તેમણે નકારી કાઢ્યા હતા. હવે સત્તાધીશ બન્યા પછી ચીનના નમકની વફાદારી નોંધાવવા માટે તેઓ ચીનની જીહજૂરી કરે અને ભારતને આંખ દેખાડે એવું બની શકે ખરું.


Google NewsGoogle News