ભારતની સહાયથી જ શ્રીલંકા આર્થિક કટોકટી પાર કરી શક્યું છે : પ્રમુખ રેનિલ વિક્રમસિંઘે
જયસૂર્યાએ કહ્યું : ભારત સાચા અર્થમાં મોટો ભાઈ બન્યું છે
કોલંબોમાં યોજાયેલી જય ૨૦-૨૨ દરમિયાનની ૩૧મી 'ઓલ-ઈંડીયા પાર્ટનર્સ મીટ'માં કરેલા સંબોધનમાં શ્રીલંકન પ્રમુખના ભાવવાહી ઉદ્ગારો
ચીન-તાઈવાન પર હુમલા કરે છે ઃ ભારત શ્રીલંકાને સહાય કરે છે
કોલંબો: જૂન ૨૦ થી ૨૨ દરમિયાન અહીં યોજાયેલ ૩૧મી 'ઓલ ઈંડીયા પાર્ટનર્સ મીટ'માં કરેલા સંબોધનમાં શ્રીલંકાના પ્રમુખ રેનિલ વિક્રમસિંઘેએ ખુલ્લાં મને કહ્યું હતું કે ભારતે શ્રીલંકાને કરેલી ૩.૫ અબજની બિનશરતી લોને જ શ્રીલંકાને આર્થિક કટોકટીમાંથી ઉગારી લીધું હતું. શનિવારે સાંજે સંપન્ન થયેલી આ મીટ સમયે વિક્રમ સિંઘેએ ભાવવાહી શબ્દો પણ ભારત માટે કહ્યા હતા.
વડાપ્રધાન પદે ત્રીજીવાર નિયુક્ત થયેલા નરેન્દ્ર મોદીની શપથ વિધિ સમયે તેઓ ભારત આવ્યા હતા તે યાદ કરી તેઓએ કહ્યું કે, 'શપથવિધિ પછી મારી અને નરેન્દ્ર મોદી વચ્ચે સઘન મંત્રણાઓ થઈ હતી. જેમાં અમે 'કોર-એરિયાઝ ઓફ પાર્ટનરશિપ અંગે પણ ચર્ચા થઈ હતી.' આ સાથે અમે બંનેએ સસ્ટેનેબલ એનર્જી અંગે પણ ચર્ચા કરી હતી અને તે માટે સામુહિક પ્રયત્નો કરવા પણ નિર્ણય લીધો હતો.
એક સમય એવો હતો કે શ્રીલંકાની તેલની ટાંકીઓ ખાલી હતી ત્યારે ભારતે જ તેને હજારો ટન તેલ પુરૂં પાડયું હતું. શ્રીલંકા ભારે આર્થિક ભીંસમાં હતું તેને આઈ.એમ.એફ.ની લોનની અત્યંત જરૂર હતી પરંતુ આઈ.એમ.એફ. હજી તે અંગે અનિર્ણિત હતું તેવા કટોકટીના સમયે શ્રીલંકાના વિત્ત મંત્રીને ખબર પડયા કે ભારતના વિત્તમંત્રી સીતારામન પણ આઈ.એમ.એફ.ના અધિકારીઓને મળવા બ્રેટન-વૂડઝ (વોશિંગ્ટન) ગયા છે. થોડી લોનની વાતચીત થવાની છે તેથી શ્રીલંકાના વિત્ત મંત્રી પણ વોશિંગ્ટન પહોંચ્યા જ્યાં આઈ.એમ.એફ.ના અધ્યક્ષ સામે શ્રીલંકાને સહાય કરવા માટે ભારતની પ્રશંસા કરી ત્યારે સીતારામને શ્રીલંકાને લોન આપવા અનુરોધ કર્યો હતો, જે સ્વીકારાયો.
માત્ર એક પછી એક વમળોમાં ફસતા એવાં શ્રીલંકાને દરેક વખતે ભારતે જ બહાર કાઢ્યું છે, તેથી ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સનથ જયસૂર્યાએ કહ્યું, 'ભારતે ખરા અર્થમાં મોટા ભાઈની ભૂમિકા નિભાવી છે.'
એક તરફ ચીન તેની દક્ષિણ પૂર્વનાં ટાપુ રાષ્ટ્ર તાઇવાન ઉપર તૂટી પડયું છે, બીજી તરફ ભારત તેની દક્ષિણનાં ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાની સહાયે દોડયું છે.