ક્લાઈમેટ ચેન્જ ઈફેકટ, દુનિયાભરના સંખ્યાબંધ દેશોમાં વસંતનુ વહેલું આગમન, યુરોપમાં બરફ ગાયબ
image :Socialmedia
નવી દિલ્હી,તા.01 માર્ચ 2024,શુક્રવાર
ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં તાપમાન વધી રહ્યું છે, દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને ગ્લેશિયર પણ પીગળી રહ્યા છે.
હવે વિશ્વના લોકો એક નવો અનુભવ પણ કરી રહ્યા છે. દુનિયાના ઘણા દેશોમાં વસંત ઋતુનુ વહેલુ આગમન થઈ ગયુ છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા કરતા વધારે ગરમી પડી છે અને તેના કારણે વસંત ઋતુના આગમનના એંધાણ પણ સમય કરતા વહેલા દેખાયા છે.
જાપાનથી મેક્સિકો સુધી વિવિધ પ્રકારના ફૂલો વહેલા ખીલી ગયા છે અને યુરોપમાં સ્કિઈગ માટેના રિસોર્ટની આસપાસથી બરફ ગાયબ થઈ ગયો છે. અમેરિકાના ટેક્સાસમાં 38 ટકા ડિગ્રી ટેમ્પરેચર અત્યારથી નોંધાયુ છે. અમેરિકામાં હવામાન વિભાગ આંકડા એકત્રિત કરી રહ્યુ છે અને પ્રાથમિક અનુમાન એવુ છે કે, સતત નવમા મહિનામાં તાપમાનનો રેકોર્ડ તૂટે તેવા ભણકારા વાગી રહ્યા છે.
બીજી તરફ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, અલ નીનો પ્રભાવ 2024 સુધીમાં ખતમ થશે અને એ પછી દુનિયાને ગરમીથી રાહત મળે તેવી શકયતા છે. જો કે એ પછી દુનિયાએ લા નીનો માટે તૈયાર રહેવું પડશે. લા નીનોના કારણે પૂર્વીય પ્રશાંત મહાસાગર વિસ્તારમાં આકરી ઠંડીનો લોકોએ સામનો કરવાનો વારો આવી શકે છે.
અમેરિકાના ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વૈત્રાનિક કેરિન ગ્લીસનનુ કહેવુ છે કે, 2024નુ વર્ષ સૌથી ગરમ વર્ષ તરીકે 2023નો રેકોર્ડ તોડી દે તેવી શક્યતા 22 ટકા જેટલી છે. ઈન્ટરનેટ પર જાપાન, મેક્સિકો અને યુરોપની તસવીરો દર્શાવી રહી છે કે, સમય પહેલા વસંતનુ આગમન થયુ છે. અમેરિકામાં ફેબ્રૂઆરીમાં સંખ્યાબંધ જગ્યાએ તાપમાન 22 ડિગ્રી કરતા વધારે નોંધાયું છે. સામાન્ય રીતે આ મહિનામાં 16 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે.