Get The App

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભાષણમાં લોથ મારી, સ્પેનને BRICS દેશોનો હિસ્સો ગણાવતાં ટ્રોલ થયા

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભાષણમાં લોથ મારી, સ્પેનને BRICS દેશોનો હિસ્સો ગણાવતાં ટ્રોલ થયા 1 - image


Image Source: Twitter

Donald Trump Said Spain Is Brics Nation: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને 100% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. પરંતુ આ દરમિયાન ટ્રમ્પે ભાષણમાં એક મોટી લોથ મારી હતી. જેને લઈને હવે તેમનું આ ભાષણ વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશો ડૉલરના બદલે પોતાની જ એક કરન્સી ચલાવવાનો પ્લાન બનાવી રહ્યા છે અને સ્પેન સહિત આ દેશોએ જો આવું કર્યું તો અમે તેમના પર ટેરિફ લગાવીશુ. હવે તેમના ભાષણનો આ હિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે, સ્પેન બ્રિક્સ દેશોનો હિસ્સો નથી. બ્રિક્સમાં S નો અર્થ સાઉથ આફ્રિકા થાય છે, જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ તેનો અર્થ સ્પેન સમજી લીધો હશે. બ્રિક્સનું હાલમાં વિસ્તરણ થઈ ગયું છે, પરંતુ શરુઆતના સમયમાં તેના સદસ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા રહ્યા છે. 



 ટ્રમ્પે ભાષણમાં લોથ મારી, સ્પેનને BRICS દેશોનો હિસ્સો ગણાવ્યો

બીજી તરફ સ્પેન એ નાટો સંગઠનનું જ સભ્ય છે, જેની લીડરશિપ અમેરિકા પાસે છે. યુરોપિયન યુનિયનનું સભ્યપદ પણ સ્પેન પાસે છે. હકીકતમાં એક પત્રકારે સવાલ કર્યો હતો કે, સ્પેન નાટોનું સભ્ય છે અને તેમ છતાં તેણે સંરક્ષણ ક્ષેત્ર પર તેના આર્થિક ઉત્પાદનનો 2% પણ ખર્ચ નથી કર્યો. નાટો સભ્ય દેશો માટે 2%ની મર્યાદા લાદવામાં આવી છે. પરંતુ 32 દેશોના આ સંગઠનમાં સામેલ સ્પેને ગત વર્ષે સંરક્ષણ ક્ષેત્ર પર માત્ર 1.28% જ નાણાં ખર્ચ્યા હતા. આ અંગે જ સવાલ કરવામાં આવ્યો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'સ્પેન ખૂબ જ નીચે છે. ત્યારબાદ તેઓ અચાનક બ્રિક્સનો ઉલ્લેખ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે, 'સ્પેન એક બ્રિક્સ દેશ છે.' શું તમે જાણો છો કે બ્રિક્સ દેશો કયા છે? તમારે તેના વિશે જાણવું જોઈએ.'

આ પણ વાંચો: 'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા

 સ્પેન ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર હેરાન

આ સાથે જ તેમણે ફરી એક વખત ધમકી આપતા કહ્યું કે, અમે બ્રિક્સ દેશો પર જરૂર પડ્યે 100% સુધીનો ટેરિફ લગાવીશું. તેમના માટે અમેરિકા સાથે વેપાર કરવો જ મુશ્કેલ બની જશે. બીજી તરફ સ્પેન પણ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર હેરાન છે. સ્પેન સરકારના પ્રવક્તા અને એજ્યુકેશન મિનિસ્ટર પિલર એલેગ્રિયાએ કહ્યું કે, 'અમારી સમજની બહાર છે કે, ટ્રમ્પે આવી ટિપ્પણી કેમ કરી. અમને ખબર નથી કે, ટ્રમ્પે આવું કેમ કહ્યું. તેમનાથી કોઈ ચૂક થઈ ગઈ હશે અથવા મિક્સ અપ થયું છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે સ્પેન બ્રિક્સ દેશોનો હિસ્સો નથી. સ્પેન છેલ્લા 4 દાયકાથી નાટોનું પ્રતિબદ્ધ સભ્ય રહ્યું છે. અમે તો અમેરિકન સરકારને અમારા સાથી તરીકે જોતા આવ્યા છીએ.'


Google NewsGoogle News