યુરોપના આ દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યુ, માસ્ક ફરજિયાત કરાયું
image : twitter
બાર્સેલોના,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર
યુરોપના સૌથી મોટા પૈકીના એક દેશ સ્પેનમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે.
હજી પણ દુનિયાના મોટાભાગના દેશોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે અને કેટલાક દેશોમાં ફરી કોરોના ફેલાઈ રહ્યો હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. સ્પેનમાં કોરોનાના સંક્રમણે સરકારને ચોંકાવી દીધી છે.
સરકારે તકેદારીના ભાગરુપે દેશના તમામ સ્વાસ્થ્ય કેન્દ્રો પર માસ્ક પહેરવાનુ ફરજિયાત બનાવી દીધુ છે. હાલમાં સ્પેનમાં કોરોના અને ફ્લુના કેસ ચરમ પર છે. સ્પેનની સરકારે સ્વાસ્થ્ય કેન્દ્રો પર માસ્ક પહેરવાનુ ફરજિયાત કર્યા બાદ પ્રાઈવેટ ક્લિનિકો, દવાની દુકાનો પર પણ માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરી છે.
જોકે તેની સામે લોકોમાં કચવાટ છે પણ દેશના આરોગ્ય મંત્રી મોનિકા ગાર્સિયાનુ કહેવુ છે કે, સુરક્ષા અને તકેદારી બહુ જરૂરી છે. જો બે સપ્તાહમાં કોરોનાના કેસ ઓછા નહીં થયા તો સરકાર બીજા આકરા પગલા પણ ભરશે.
આખી દુનિયા જ્યારે કોરોનાના ભરડામાં ફસાઈ હતી ત્યારે યુરોપમાં સ્પેન પણ ઘણુ પ્રભાવિત થયુ હતુ. 2020 બાદ સ્પેનમાં અત્યાર સુધી કોરોનાના 1.39 કરોડ કેસ નોંધાઈ ચુકયા છે અને 1.27 લાખ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુકયા છે.
સ્પેનમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ પણ લોકો ફેબ્રુઆરી 2023 સુધી જાહેર સ્થળોએ માસ્ક પહેરતા હતા. હવે કોરોના ફરી પ્રસરી રહ્યો છે ત્યારે સ્પેનમાં માસ્કની પણ ફરી એન્ટ્રી થઈ છે.