ખરાબ હવામાન અને લોન્ચ પેડમાં ખામીના કારણે ‘સ્પેસવોક મિશન’ મોકૂફ, ઈલોન મસ્કની કંપનીનો નિર્ણય
Space x Space walk Mission: ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ ચાર યાત્રીઓને અવકાશમાં 'સ્પેસવોક' માટે મોકલવાની હતી, પરંતુ હવે આ માટે તેને થોડી વધુ રાહ જોવી પડશે. સ્પેસએકસનું પોલારિસ ડોન નામના મિશનને લોન્ચ પેડમાં હીલિયમ લિકેજ અને ખરાબ વાતાવરણની આગાહીના કારણે હાલ ટાળવામાં આવ્યું છે.
ચાર લોકોને મોકલવામાં આવશે
આ મિશનમાં જે ચાર લોકો જવાના છે, તે અન્ના મેનન, સ્કોટ પોટેટ, સારા ગિલિસ અને અબજોપતિ જેરેડ ઇસાકમેન છે. આ મિશન હાલ લોકોનું આકર્ષણ ખેંચી રહ્યું છે કારણ કે, સ્પેસએક્સનું આ મિશન ખૂબ જોખમી છે. આ મિશનમાં ચારેય અવકાશયાત્રીઓને રેડિએશન બેલ્ટમાં પણ મોકલવામાં આવશે, જે કોઇ અંતરિક્ષયાત્રી માટે નવો તેમજ પડકારજનક અનુભવ હશે.
આ પણ વાંચોઃ હવે ઉર્જા માટે દિવસ સૂર્યોદયની રાહ જોવી પડશે નહી. રાત્રે પણ મળશે સૂર્યપ્રકાશ
આ કારણસર મિશન અટક્યો
નાસાના કેનેડી અવકાશ કેન્દ્રથી મંગળવારે (27 ઓગસ્ટ) પોલારિસ ડોન મિશન લોન્ચ થવાનો હતો. જો કે, લોન્ચ પેડમાં હીલિયમ લિકેજના લીધે અને ફ્લોરિડાના તટ પર ખરાબ વાતાવરણની આગાહીને પગલે આ મિશનને હાલ માટે ટાળવામાં આવ્યું છે. ટીમ હાલ સતત વાતાવરણનું અભ્યાસ કરી રહી છે અને યોગ્ય વાતાવરણ જણાતા મિશન લોન્ચ કરવામાં આવશે.
સારા અવસરની રાહ જોઇશુંઃ ઇસાકમેન
અબજોપતિ ઉદ્યોગપતિ અને આ મિશનના કમાન્ડર જેરેડ ઇસાકમેને કહ્યું કે, 'અમારું મિશન મોડું થવાનું કારણ વાતાવરણ છે. અમે લોન્ચ કરતા પહેલા વાતાવરણ અંગે સંપૂર્ણ રીતે સુનિશ્ચિત થવું પડશે. આજે રાતે અથવા કાલે રાતે પરિસ્થિતિઓ અનુકૂળ નથી એટલે અમે દરેક દિવસનું અભ્યાસ કરતાં રહીશું, જે રીતે ઇલોન મસ્કે ઉલ્લેખ કર્યું છે આ પોલારિસ ડોન મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્યો સાથે એક પડકારજનક મિશન છે, માટે અમે સફળતા સુનિશ્ચિત કરવા માટે સૌથી સારા અવસરની રાહ જોઇશું.'