અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ ખુશ દેખાઈ, નવા વીડિયોમાં મહેમાનોનું સ્વાગત કર્યું
Sunita Williams Rescue Operation : અંતરિક્ષમાં ફસાયેલી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મોરને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયું છે. અમેરિકાની સ્પેસ એજન્સી NASA(National Aeronautics and Space Administration)એ તેમને અંતરિક્ષમાંથી પાછા લાવવા માટે સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ ક્રૂ-9 મોકલ્યું છે.
રેસ્ક્યુ માટે બે અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં ગયા
આ કેપ્સ્યુલમાં બે અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં ગયા છે. 29 સપ્ટેમ્બરના રોજ આ કેપ્સ્યુલને લોન્ચ કરવામાં આવી હતી. અને તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચી હતી. ફેબ્રુઆરી 2025 સુધીમાં સુનિતા અને તમના સાથી પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે. નાસાએ ક્રૂ-9ના અંતરિક્ષમાં પહોંચવા અને અવકાશયાત્રીઓની સુનિતા વિલિયમ્સ સાથે સ્પેસ સ્ટેશનની અંદરની મુલાકાત અને વાતચીતનો વીડિયો શેર કર્યો છે. જેમાં સુનિતા પૃથ્વી પરથી તેમના તારણકર્તાઓને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે, અને બંનેએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે.
ક્રૂ-9 બંને અવકાશયાત્રીને પરત લાવશે
હવે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર, નિક હેગ, એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, જીનેટ એપ્સ, એલેક્ઝાન્ડર ગ્રેબેનકીન, માઈક બેરેટ, મેથ્યુ ડોમિનિક, ઈવાન વેગનર, ડોન પેટિટ અને એલેક્સી છે. નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સ્પેસએક્સના ક્રૂ-9 ડ્રેગન કેપ્સ્યુલમાં અંતરિક્ષમાં ગયા છે. આ ક્રૂ-9નો હેતુ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અંતરિક્ષમાંથી પૃથ્વી પર પરત લાવવાનો છે. સ્પેસએક્સ ક્રૂ-9 ડ્રેગને શનિવારે બપોરે 1 વાગ્યા પછી ફ્લોરિડાના કેપ કેનાવેરલથી ઉડાન ભરી હતી. ક્રૂ-9 કેપ્સ્યુલ ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે ISS સાથે જોડાયુ હતું. હેગ અને ગોર્બુનોવ લગભગ 90 મિનિટ પછી ISSમાં પ્રવેશ્યા હતા.
સુનીતા વિલિયમ્સે ઉષ્માભર્યું સ્વાગત કર્યું
ISSમાં ક્રૂ-9ના અવકાશયાત્રીઓ નિક અને એલેક્ઝાંડરના પ્રવેશતાની સાથે જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. પહેલાથી હાજર તમામ અવકાશયાત્રીઓએ બંનેને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું હતું. સુનીતા વિલિયમ્સે બંનેને ગળે મળીને કહ્યું કે, તમારું સ્વાગત છે. આ દરમિયાન તે ઘણી ખુશ દેખાઈ રહી હતી.
3 મહિનાથી ફસાયેલા છે અવકાશયાત્રીઓ
અહીં તમને જણાવી દઈએ કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 6 જૂન 2024થી અંતરિક્ષમાં છે. તેઓ સ્ટારલાઈનર દ્વારા અંતરિક્ષમાં ગયા હતા. પરંતુ ડોકીંગ કરતી વખતે સ્ટારલાઈનરમાંથી હિલીયમ વાયુ લીક થવાને કારણે તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. અને તેઓ પૃથ્વી પર પાછા ફરી શક્યા ન હતા. તેમણે ત્યાં ફક્ત 8 દિવસ જ રહેવાનું હતું. પરંતુ હવે તેમને ત્યાં 3 મહિના થઈ ગયા છે. સ્ટારલાઈનરમાં થયેલી ખરાબીના કારણે અકસ્માતના ડરથી બંનેને પૃથ્વી પર પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.