સ્પેસએક્સની આ સફળતા જોઈ સુનિતા વિલિયમ્સની પાછા આવવાની આશા જાગી, ઇલોન મસ્કે પણ કર્યું ટ્વિટ
Space X launches 2 Falcon 9 Rocket: ઇલોન મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસએક્સએ તાજેતરમાં એક પછી એક અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો હતો. જો કે, આ મુશ્કેલીઓને ઓળંગીને, સ્પેસએક્સએ 31 ઓગસ્ટે બે ફાલ્કન 9 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. બંને મિશન દ્વારા, સ્પેસએક્સએ કુલ 42 સ્ટારલિંક ઇન્ટરનેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા છે. જેમાં દરેક રોકેટની પ્રથમ તબક્કામાં ઓફશોર લેન્ડિંગ સફળ રહી છે.
અગાઉ નિષ્ફળતા મળી હતી
જુલાઇમાં ફાલ્કન 9ના બીજા તબક્કામાં લીકેજ થવાને કારણે 20 સ્ટારલિંક સેટેલાઇટને નુકસાન થયું હતું. ત્યાર બાદ 27 ઓગસ્ટે પણ ખરાબ હવામાન અને રોકેટમાં નુકસાનને કારણે પોલારિસ ડોન સ્પેસ વોક મિશન ટાળવું પડ્યું હતું. આ ઉપરાંત 28 ઓગસ્ટે પણ ફાલ્કન 9 રોકેટની લેન્ડિંગ નિષ્ફળ ગઇ હતી. જેમાં 21 સ્ટારલિંક ઉપગ્રહોને ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવાના હતા. જો કે, મિશન નિષ્ફળ ગયા પછી સ્પેસએક્સએ ફરીથી પ્રયાસ કર્યો અને 31 ઓગસ્ટે બે ફાલ્કન 9 રોકેટ્સનું સફળ લેન્ડિંગ કરાવી રેકોર્ડ સર્જયો છે.
Falcon 9’s first stage lands on the Just Read The Instructions droneship, completing this booster’s 18th launch and landing pic.twitter.com/zScs23zrAQ
— SpaceX (@SpaceX) August 31, 2024
સ્પેસએક્સ સુનિતા વિલિયમ્સને પાછો લાવશે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જે નાસા-બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રોફ્ટથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં મિશન પર ગયા હતા, તેમની વાપસી પણ સ્પેસએક્સ દ્વારા કરવામાં આવશે. નાસાએ બોઇંગ સ્ટારલાઇનરને બદલે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રોફ્ટથી આ બંનેને પાછા લાવવાનું નક્કી કર્યું છે. વિલિયમ્સ અને વિલમોર સ્પેસએક્સના ક્રૂ -9 મિશન સાથે પૃથ્વી પર પાછા આવશે. અગાઉ ઇલોન મસ્કે પણ આ અંગે ટ્વિટ કરી માહિતી આપી હતી.
65 મિનિટમાં તાબડતોડ બે રોકેટ લોન્ચ કર્યા
સ્પેસએક્સના ફાલ્કન 9 મિશનની ખાસ વાત એ છે કે 65 મિનિટમાં તાબડતોડ બે રોકેટ્સ લોન્ચ કર્યા હતા. આ મિશનની સફળતાથી સ્પેસએક્સએ સમગ્ર વિશ્વને અવકાશ ક્ષેત્રે પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. કંપનીએ 28 ઓગસ્ટની નિષ્ફળતા બાદ તરત જ બે સફળ મિશન લોન્ચ કરી મોટી સિદ્ધી હાંસલ કરી છે.
આ પણ વાંચોઃ મંકીપોક્સથી 629 મોત, 18000 શંકાસ્પદ કેસ બાદ UNICEFનું એલર્ટ, જાણો શું લીધો નિર્ણય
ફાલ્કન 9 રોકેટની ખાસિયત
ફાલ્કન 9 એ ફરી ઉપયોગ કરી શકાય તેવો બે-તબક્કાનો રોકેટ છે. સ્પેસએક્સએ તેને લોકો અને પેલોડને પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિશ્વસનીય અને સલામત પરિવહન માટે માટે ડિઝાઇન કર્યું છે. ફાલ્કન 9 એ વિશ્વનો પ્રથમ ભ્રમણકક્ષા રિયુઝેબલ રોકેટ છે. જેથી વારંવાર રોકેટમાં મોંઘા પાર્ટ્સ ન બદલવા પડતા મિશનનો ખર્ચ ઘટે છે.