‘જો ઉત્તર કોરિયા જાસુસી ઉપગ્રહ લોન્ચ કરશે તો...’ દક્ષિણ કોરિયાની કિમ જોંગ ઉનને ચેતવણી
કોરિયાઈ દેશો વચ્ચે ફરી વિવાદ : દ.કોરિયાએ શાંતિ કરાર ભંગ કરવાની અને વળતો જવાબ આપવાની આપી ધમકી
ઉત્તર કોરિયાએ રશિયન ટેકનોલોજીની મદદથી જાસુસી ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારી કરતા ભડક્યું દક્ષિણ કોરિયા
પ્યોંગયાંગ, તા.20 નવેમ્બર-2023, સોમવાર
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા (South Korea vs North Korea) વચ્ચેનો વિવાદ જગજાહેર છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) દ્વારા અવાર-નવાર મિસાઈલ પરીક્ષણ (Missile Testing) કરાતી હોય છે, જેના કારણે દક્ષિણ કોરિયા અને જાપાન (Japan) બંને કિમની હરકતોથી પરેશાન રહેતા હોય છે, ત્યારે ઉત્તર કોરિયાએ ફરી નવી કરતુતનો આરંભ કરી દીધો છે. કિમ જોંગ ઉને પોતાના દેશની આસપાસના વિસ્તારોમાં નજર રાખવા જાસૂસી ઉપગ્રહ (Spy Satellite) લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, જે મામલે દક્ષિણ કોરિયા ભડકી ઉઠ્યું છે અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને ધમકી આપી છે.
‘જો દક્ષિણ કોરિયા જાસુસી ઉપગ્રહ લોન્ચ કરશે તો...’
દક્ષિણ કોરિયાની સેનાએ જાસુસી ઉપગ્રહની કવાયત આગળ ન વધારવા ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે. સેનાએ સોમવારે કહ્યું કે, જો તે આવું કરશે તો દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા સાથેના આંતર-કોરિયાઈ શાંતિ કરારને સસ્પેન્ડ કરી શકે છે અને વળતો જવાબ આપવા હવાઈ દેખરેખ શરૂ કરી શકે છે. ઉત્તર કોરિયાએ આ વર્ષની શરૂઆતમાં સૈન્ય જાસુસી ઉપગ્રહ લોન્ચ કરવાનો 2 વખત પ્રયાસ કર્યો હતો, જોકે બંને પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
જાસુસી ઉપગ્રહમાં રશિયાની ટેકનોલોજી
દક્ષિણ કોરિયાના અધિકારીઓએ આક્ષેપ કરતા કહ્યું કે, ઉત્તર કોરિયાને રશિયાની ટેકનોલોજી (Russia)ની મદદથી મળી રહી હોવાથી તે ઉપગ્રહ લોન્ચ કરવામાં વિલંબ કરી રહ્યો છે અને આવનારા કેટલાક દિવસોમાં લોન્ચ કરી શકે છે. દક્ષિણ કોરિયાના વરિષ્ઠ સૈન્ય અધિકારી કાંગ હોપિલે ઉત્તર કોરિયાને ત્રીજા લોન્ચનો પ્રયાસ રદ કરવા અપીલ કરી છે. કાંગે કહ્યું કે, અમારી ચેતવણી બાદ પણ જો ઉત્તર કોરિયા જાસુસી ઉપગ્રહ લોન્ચ કરશે, તો અમારી સેના લોકોના જીવન અને સુરક્ષા માટે તમામ પગલા ઉઠાવશે.
દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું ?
દરમિયાન દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી શિન વૉનસિકે આ મહિનાના અંતે જાસુસી ઉપગ્રહ લોન્ચ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને દક્ષિણ કોરિયા અને અમેરિકાના (America) અધિકારીઓ ઉત્તર કોરિયાના ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાના કોઈપણ લોન્ચ પર પ્રતિબંધ લગાવેલો છે, કારણ કે UN તેને તેની મિસાઈલ ટેકનોલોજીનું પરીક્ષણ માને છે.