Get The App

માર્શલ લો લાવવા અને રદ કરવા પાછળ દ.કોરિયાના પ્રમુખની પત્ની જવાબદાર

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
માર્શલ લો લાવવા અને રદ કરવા પાછળ દ.કોરિયાના પ્રમુખની પત્ની જવાબદાર 1 - image


- મુઝે અપની બીવી સે બચાઓ : ફર્સ્ટ લેડી જ હવે સાઉથ કોરિયાના પ્રમુખ માટે જોખમરૂપ બની ગઈ હોવાની ચર્ચા

- સાઉથ કોરિયામાં કિમ-કિયોન-હી-રિસ્ક તરીકે ઓળખાતી ફર્સ્ટ લેડી અનેક રાજકીય વિવાદમાં સંડોવાયેલી છે 

સાઉથ કોરિયામાં મંગળવારે રાત્રે માર્શલ લો લાગુ કરવામાં આવ્યો અને સમગ્ર દેશમાં અરાજકતાની સ્થિતિ ફેલાઈ ગઈ. અંદાજે પાંચ-છ કલાક બાદ આ માર્શલ લો રદ પણ કરી દેવાયો હતો. રાષ્ટ્રપ્રમુખ દ્વારા લાગુ કરવામાં આવેલા આ કાયદા અને તેને રદ કરવાની કામગીરીએ સમગ્ર દેશમાં અસંતોષ અને રોષની લાગણી જન્માવી છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૦ બાદ પહેલી વખત સાઉથ કોરિયામાં આ રીતે માર્શલ લો લાગુ થયો હતો. 

સૂત્રોના મતે સાઉથ કોરિયાના પ્રમુખ યૂન સુક યેઓલ દ્વારા રાષ્ટ્ર વિરોધી લોકો અને ઉત્તર કોરિયા દ્વારા ઊભા કરવામાં આવેલા ભયને કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાની સફાઈ આપવામાં આવી હતી. બીજી તરફ વિરોધ પક્ષો દ્વારા અને રાજકીય વિશ્લેષકો દ્વારા આ માટે પ્રમુખની પોતાની રાજકીય મુશ્કેલીઓને કારણભૂત માનવામાં આવે છે. સૂત્રોમાં તો ચર્ચા છે કે, પ્રમુખની પત્નીના વિવાદો અને મુશ્કેલીઓના કારણે જ આ પગલાં ભરવામાં આવ્યા હતા જેથી વિરોધીઓને ડામી દેવાય પણ પ્રમુખ તેમાં સફળ થયા નહીં. સાઉથ કોરિયાની નેશનલ એસેમ્બલીની છત ઉપર મિલિટરીના હેલિકોપ્ટર ઉતર્યા, સંસદની અંદર અને બહાર સૈન્યના જવાનો ગોઠવાઈ ગયા હતા. સાંસદો ભયમાં આવી ગયા હતા. 

સંસદની બહાર હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને પ્રમુખના આ કૃત્યનો વિરોધ કરવા લાગ્યા હતા. વિપક્ષ દ્વારા તાકીદે સંસદમાં મતદાન કરીને પ્રમુખના નિર્ણયને ફગાવી દેવાયો અને પ્રમુખે માર્શલ લો પાછો ખેંચવાની ફરજ પડી હતી. હવે સંસદમાં પ્રમુખ સામે જ મહાભિયોગની કામગીરી કરવા અથવા તો તેઓ સ્વેચ્છાએ રાજીનામુ આપી દે તેવા પગલાં લેવા માગણી કરવામાં આવી છે. 

ફર્સ્ટ લેડી કિમ કિઓન વિવાદનું કેન્દ્ર હોવાનો મત

લોકોમાં ચર્ચા છે કે, સાઉથ કોરિયાના ફર્સ્ટ લેડી કિમ કિઓન એક બિઝનેસવુમન છે. ખૂબ જ નાની વયે આર્ટ અને તેના બિઝનેસમાં કિમ કિઓને ઝંપલાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમની કંપની આર્ટ ઈન્ડસ્ટ્રીમાં ડિલ કરે છે. તેઓ ઝિયાકોમેટી, માર્ક ચાગલ અને માર્ક રોથકો જેવા ઘણા મોટા કલાકારોની કલાકૃતિઓનું સાઉથ કોરિયામાં પ્રદર્શન અને વેચાણ કરાવી ચૂકી છે. તેમણે ૨૦૨૧માં યૂન સુક યેઓલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ બિઝનેસ અને પોલિટિક્સમાં વ્યસ્ત હતા. મે ૨૦૨૨માં યુન સુક સાઉથ કોરિયાના પ્રમુખ અને કિમ કિઓન ફર્સ્ટ લેડી બન્યા હતા. આ સાથે જ કિમે સાઉથ કોરિયામાં કુતરાના માંસના સેવન ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી. પશુઓને બચાવવા માટે આ પ્રતિબંધ જરૂરી હોવાની તેઓ તરફેણ કરતા હતા. તેના કારણે લોકોએ મોટાપાયે કિમનો વિરોધ કર્યો હતો.

ભ્રષ્ટાચારના આરોપો દબાવવા માર્શલ લો લવાયો

રાજકીય નિષ્ણાતો માને છે કે, કિમ કિઓન દ્વારા બે વર્ષમાં કરવામાં આવેલા ગોટાળા, વિવાદો અને ભ્રષ્ટાચારોને દબાવવા માટે જ યુન દ્વારા માર્શલ લો લાવવાની હિંમત કરવામાં આવી હશે. કિમ ઉપર આરોપ હતા કે, એક ઈમ્પોર્ટ કંપની ડોયચ મોટર્શના સ્ટોકમાં તેણે હેરફેર કરાવી હતી. તેના કારણે ખૂબ જ મોટો વિવાદ થયો હતો. તે વખતે રાષ્ટ્રપતિએ જાહેરમાં માફી માગીને પોતાની કે પોતાની પત્નીની સંડોવણી નહીં હોવાની વાત કરી હતી. તે વખતે સંસદમાં કિમ વિરોધી પગલાં લેવા એક ખરડો લવાયો હતો પણ યૂને પોતાનો વિટો વાપરીને તેને રદ કરી દીધો હતો. આ સિવાય રાજકીય સ્થિતિ પણ યૂનની વિરુદ્ધ ચાલી રહી છે. આ તમામનો અંત લાવવા માટે યૂન દ્વારા માર્શલ લો લાવવાનું પગલું ભરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૦ ડિસેમ્બરે વિશેષ વિધેયક ઉપર ફેરવિચાર કરવા સંસદ વિચારણા કરવાની હતી. વિપક્ષ દ્વારા જ આ વિધેયક લાવવામાં આવ્યું હતું. આ બધું દબાવી દેવા યૂને છેલ્લે મરણીયા બનીને ખુરશી બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.

પીએચડીની થિસિસ પણ ચોરી કર્યાનો આરોપ

કૂકમિન યુનિવર્સિટીમાં થોડા સમય પહેલાં કિમ કિઓન દ્વારા પીએચડીની થિસિસ ચોરી કરવામાં આવી હોવાનો ૧૬ જેટલા પ્રોફેસરોના એક જૂથે આરોપ મુક્યો હતો. લગભગ આઠ મહિના સુધી સરકાર અને યુનિવર્સિટી દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી હતી અને કિમને નિર્દોષ જાહેર કરાઈ હતી. બીજી તરફ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ આ ક્લિનચિટ સ્વીકારવા તૈયાર નથી. આ ઉપરાંત ૨૦૨૨માં સંસદીય પેટા ચૂંટણીમાં પણ યૂન ઉપર કિમ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પીપલ્સ પાવર પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે આ દબાણ કરાયું હતું. 

કિમની ડાયર બેગ કૌભાંડમાં પણ સંડોવણી

રાજકીય જાણકારોના મતે કિમ કિઓનના  કારણે રાષ્ટ્રપ્રમુખની રાજકીય કારકિર્દી ખતરામાં આવી ગઈ છે. તેમને સાઉથ કોરિયામાં કિમ કિયોન હી રિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ થાય છે પોતાના પતિની જ રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ. ૨૦૨૨માં જ એક અખબારે દાવો કર્યો હતો કે, કિમ કિયોને તે વખતે ત્રીસ લાખ વોન એટલે કે અંદાજે ૧.૮૦ લાખ રૂપિયાની કિંમતનું ડાયર બેગ ભેટમાં લઈ લીધું હતું. આ અંગેની વીડિયો ક્લિપ પણ ખૂબ જ ફરતી થઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિવાદ ચગ્યો હતો. સાઉથ કોરિયામાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા પ્રમાણે અધિકારીઓ અથવા તેમના જીવનસાથી જાહેરજીવનમાં ૭૫૦ ડોલરથી વધારેની રકમની વસ્તુઓ ક્યારેય ભેટ તરીકે સ્વીકારી શકે નહીં. કિમ કિયોને આ કાયદાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ ઊઠી છે.


Google NewsGoogle News