સાઉથ કોરીયાના પ્રમુખ સુક યેઓલને અચાનક માર્શલ લો જાહેર કરવાનો તુંડ મિજાજ ભારે પડયો
ગત ૩ ડિસેમ્બરે સાઉથ કોરીયાના પ્રમુખ સુક યેઓલે ટીવી અને સોશિયલ મીડિયામાં નાગરિકોએ કલ્પના પણ ન કરી હોય તેમ અચાનક જ દેશમાં માર્શલ લો જાહેર કરી દીધો અને વિશ્વ પણ સ્તબ્ધ થઇ ગયું. સુકે આ માટે મુખ્ય કારણ એવું આપ્યું કે સરકાર અને લશ્કરમાં તેમજ બિઝનેસ જગતમાં નોર્થ કોરિયાના સમર્થકોનો પગપેસારો થઇ ચુક્યો છે તેઓને શોધીને દેશ બહાર કરવા માર્શલ લો જરૂરી છે. જો કે મૂળ કારણ એ હતું કે નાગરિકો તેના શાસનથી ત્રાસી ગયા હતા અને વિરોધ પક્ષો તેને પાતળી બહુમતીમાં મુકવાની તૈયારીમાં જ હતા તેથી તેણે સત્તા પર ટકી રહેવા અને તેના વિરોધીઓને નોર્થ કોરિયાના સમર્થકો છે તેમ પુરવાર કરી જેલ ભેગા કરવા હતા. જો કે અંદરથી તો રોષે જ ભરાયેલા હતા તેવા નાગરિકો માર્શલ લોની અવગણના કરતા જાહેર માર્ગ પર આવીને દેખાવ કરવા માંડયા હતા. સુકે માર્શલ લોનો હુકમ તો પાછો ખેચ્યો જ પણ તેની સામે મહાભિયોગ ઠરાવ પસાર થયો અને તેની પ્રમુખ તરીકે હકાલપટ્ટી થઇ.