Get The App

દક્ષિણ કોરિયાએ બીજો જાસૂસી ઉપગ્રહ વહેતો મૂકી ઉત્તર કોરિયાની ઊંઘ ઉડાડી દીધી

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયાએ બીજો જાસૂસી ઉપગ્રહ વહેતો મૂકી ઉત્તર કોરિયાની ઊંઘ ઉડાડી દીધી 1 - image


- દક્ષિણ કોરિયાનો આ સૈન્ય જાસૂસી ઉપગ્રહ ઉત્તર કોરિયાની તમામ સૈન્ય ગતિવિધિઓ ઉપર નજર રાખશે

સીઉલ : ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો તનાવ જગજાહેર છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમજોંગ ઉન મિસાઈલ્સ પરીક્ષણમાં લાગી પડયા છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ સોલિડ ફ્યુએલ મીડીયમ રેન્જ હાઈપર સોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. 

દક્ષિણ કોરિયા સતત કહેતું આવ્યું છે કે ઉત્તર કોરિયા તેને પજવવા માટે જ આવા પરીક્ષણો કર્યા જ કરે છે, તેની આ ગતિવિધિ કોરિયન દ્વિપકલ્પ માટે ગંભીર ખતરારૂપ છે.ઉત્તર કોરિયાએ તેનો જાસૂસી ઉપગ્રહ 'ટોરી' લોન્ચ કર્યો હતો પરંતુ તે સફળ કાર્યવાહી કરી શક્યો નથી. તેમ નિષ્ણાતોનું કહેવું છે.

બીજી તરફ દક્ષિણ કોરિયાએ પોતાનો બીજો જાસૂસી સૈન્ય ઉપગ્રહ તરતો મુક્યો છે. જે ઉત્તર કોરિયાની સૈન્ય ગતિવિધિઓ ઉપર નજર રાખશે. આ ઉપગ્રહ દ.કોરિયાએ ફ્લોરિડામાં કેનેડી-સ્પેસ સેન્ટર ઉપરથી સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સાંજે પ્રક્ષેપિત કર્યો છે. દ. કોરિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઉપગ્રહ સફળતાથી રોકેટથી અલગ કરવામાં આવ્યો હતો.

'સ્પેસ-એક્સ' સાથે કરાયેલા કરારો પ્રમાણે દક્ષિણ કોરિયા પાંચ જાસૂસી ઉપગ્રહો પ્રક્ષેપિત કરવાના છે. દ.કોરિયાનો પહેલો જાસૂસી ઉપગ્રહ ગત વર્ષે ૧લી ડિસેમ્બરે કેલીફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી વહેતો મુકાયો હતો.

ઉલ્લેખનીય છે કે. ઉ. કોરિયાએ ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાનો પહેલો જાસૂસી ઉપગ્રહ વહેતો મુક્યો હતો. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વધી રહેતી તંદદિલી વચ્ચે બંને દેશો પોત પોતાના ઉપગ્રહો એકબીજા ઉપર નજર રાખવા વહેતા મુકે છે. સાથે પોત પોતાની મિસાઈલ ક્ષમતા પણ વધારવા માગે છે.


Google NewsGoogle News