ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર 200 તોપ ગોળા ઝીંકતા હડકંપ, સરહદ નજીકના ગામોમાં હાઈ એલર્ટ
એવો દાવો કરાયો છે કે આ તોપમારો સૈન્ય કવાયત હેઠળ કરાયો હતો
તોપના ગોળા બંને દેશો વચ્ચેની દરિયાઈ સરહદ પર આવીને પડ્યા હતા
North Korea news | દક્ષિણ કોરિયા પર શુક્રવારે સવારે સતત 200થી વધુ તોપના ગોળા ઝિંકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે આ ગોળાબારી સરમુખત્યાર કિમ જોંગ ઉનના (Kim Jong Un) દેશ ઉ.કોરિયા તરફથી કરવામાં આવી હતી. જેના પછી દક્ષિણ કોરિયા તરફથી ટાપુ પર રહેતા લોકોને તાત્કાલિક ધોરણે કારણ જણાવ્યા વિના જ પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થાને ખસી જવા કહી દેવામાં આવ્યું હતું.
બંને દેશો વચ્ચેની દરિયાઈ સરહદ પર તોપમારો
દ.કોરિયાએ તેના નિવેદનમાં કહ્યું કે ગોળાબારીને લીધે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ તો નથી પણ આ તોપના ગોળા ઉત્તર સરહદે આવીને પડતાં ગભરાટ ફેલાયો હતો. આ બંને દેશો વચ્ચેની દરિયાઈ સરહદ છે. જેના પગલે દક્ષિણ કોરિયામાં ટાપુ પર રહેતા લોકોને એક મેસેજ મોકલાયો કે તેઓ જલદીથી જલદી સુરક્ષિત સ્થાને ખસી જાય.
શા માટે તોપના ગોળા ઝિંક્યા?
ઉત્તર કોરિયા તરફથી આ તોપમારો એક સૈન્ય કવાયતને પગલે કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ 2010માં ઉ.કોરિયામાં યેઓનપયોંગ ટાપુ પર અનેક રાઉન્ડ ગોળીબાર કરાયો હતો જેમાં બે નાગરિકો સહિત કુલ 4 લોકો મૃત્યુ પામ્યા. તે 1953માં કોરિયન યુદ્ધ સમાપ્ત થયા બાદથી પાડોશીઓ પર સૌથી ભારે હુમલા પૈકી એક હતો.