દક્ષિણ કોરિયાઃ સેન્સરમાં ખામી સર્જાતા રોબોટ વિફર્યો, કર્મચારીની 'હત્યા' કરી નાંખી
Image Source: Twitter
સિઓલ, તા. 9 નવેમ્બર 2023
માણસની સહાયતા માટે બનાવાયેલા રોબોટ વિફરે ત્યારે માણસો માટે ખતરનાક પૂરવાર થઈ શકે છે તેવા પ્લોટ પર હોલીવૂડમાં ફિલ્મો બની ચૂકી છે.
હવે આ જ પ્રકારની ઘટના વાસ્તવિકતામાં બની છે. દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિને રોબોટે કચડી નાંખ્યો છે અને તેનુ મોત થયુ છે. સાઉથ કોરિયાના દક્ષિણમાં આવેલા ગ્યોંગસોંગ નામના પ્રાંતમાં ખેત પેદાશોના વિતરણ કેન્દ્રમાં રોબોટ મરચા ભરેલા બોક્સ ખસેડી રહ્યો હતો. તેના સેન્સરમાં આવેલી ખરાબીના કારણે તે 40 વર્ષના એક કામદારને પણ બોક્સ સમજી બેઠો હતો અને આ કામદારને તેણે એટલા જોરથી દબાવ્યો હતો કે તેનુ મોત થયુ હતુ. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસનુ કહેવુ છે કે, રોબોટ મરચાના બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકી રહ્યો હતો ત્યારે હતભાગી કર્મચારી તેનુ સુપરવિઝન કરી રહ્યો હતો. અચાનક જ રોબોટે મરચાનુ બોક્સ સમજીને આ કર્મચારીને પોતાના પોલાદી હાથમાં જકડી લીધો હતો અને તેમાં તેના ચહેરા અને છાતી પર ગંભીર ઈજાઓ થઈ હતી. કર્મચારીને હોસ્પિટલ લઈ જવાયો હતો પણ તે બચી શક્યો નહોતો.
આ રોબોટના સેન્સરમાં ખરાબી આવવાના કારણે તે માણસ અને મરચાના બોક્સ વચ્ચેનો તફાવત પારખી શક્યો નહોતો તેવી જાણકારી તપાસમાં સામે આવી છે.
દક્ષિણ કોરિયામાં માર્ચ મહિનામાં પણ એક ઓટોમોબાઈલ પાર્ટસ ફેકટરીમાં પણ રોબોટે 50 વર્ષના એક કર્મચારીને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો.
જ્યારે રશિયામાં જુલાઈ મહિનામાં બનેલી એક ઘટનામાં ચેસની મેચ દરમિયાન રોબોટે એક બાળકની આંગળી તોડી નાખી હતી.