Get The App

કેન્દ્રીય મંત્રીના માથે બંદૂક તાકી લૂંટ, સુરક્ષાકર્મીઓ પણ કંઈ ન કરી શક્યા, સાઉથ આફ્રિકામાં બની ઘટના

જોહાનિસબર્ગ હાઈવે પર 3 બંદૂકધારીઓએ સુરક્ષાકર્મીઓને બંદૂકની અણી પર જમીન પર સુવડાવી લૂંટ ચલાવી

પીડિત કેન્દ્રીય મંત્રીએ ઘટનાથી ચોંકી ગયા, કહ્યું ‘આ પીડાદાયક, ભયાનક અને ડરામણો અનુભવ હતો’

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
કેન્દ્રીય મંત્રીના માથે બંદૂક તાકી લૂંટ, સુરક્ષાકર્મીઓ પણ કંઈ ન કરી શક્યા, સાઉથ આફ્રિકામાં બની ઘટના 1 - image

જોહાનિસબર્ગ, તા.08 નવેમ્બર-2023, બુધવાર

સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં દિગ્ગજ મંત્રીના માથે રિવોલ્વર તાકી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે, ત્યારે સાઉથ આફ્રિકા (South Africa)ના જોહાનિસબર્ગ (Johannesburg)માં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ દક્ષિણ આફ્રિકાના એક કેન્દ્રીય મંત્રીના માથા પર બંદૂક તાકીને તેમને લૂંટી લીધા હતા. આરોપીઓએ કેન્દ્રીય મંત્રીના સુરક્ષા કર્મીઓને પણ લાચાર કરી દીધા. સાંભળીને વિશ્વાસ નહી આવે? પરંતુ તે સાચું છે. પોલીસ હવે બદમાશોને શોધી રહી છે. આ ઘટના જોહાનિસબર્ગ હાઈવે પર બની હતી. મામલો સોમવારનો છે પરંતુ તે મંગળવારે પ્રકાશમાં આવ્યો હતો.

સુરક્ષાકર્મીઓને બંદૂકની અણી પર જમીન પર સુવડાવી દીધા

દક્ષિણ આફ્રિકન પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય પરિવહન મંત્રી સિંદિસિવે ચિકુંગા (Sindisiwe Chikunga) તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે જોહાનિસબર્ગ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારમાં પંચર પડી ગયું, જેના કારણે કેન્દ્રીય મંત્રીના સુરક્ષાકર્મીઓએ કારને તેની બાજુમાં પાર્ક કરી અને પંચર રિપેર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન ત્રણ બદમાશો બંદૂક સાથે ત્યાં પહોંચ્યા હતા. આરોપીને જોઈને સુરક્ષાકર્મીઓ કંઈ કરે તે પહેલા બદમાશોએ સુરક્ષાકર્મીઓને બંદૂકની અણી પર જમીન પર સુવડાવી દીધા હતા. બદમાશો અહીંથી ન અટક્યા. તેમણે કેન્દ્રીય મંત્રી ચિકૂંગા તરફ પણ બંદૂક તાકી હતી. આરોપીઓએ બંદૂકની અણીએ ચિકૂંગાનો અંગત સામાન પણ લૂંટી લીધો હતો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘પીડાદાયક, ભયાનક અને ડરામણો અનુભવ’

પોલીસ પ્રવક્તા એથ્લેન્ડા માથેએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મંત્રીએ મંગળવારે સંસદીય બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે આ ઘટનાથી ચોંકી ગયા હતા.તે એક પીડાદાયક, ભયાનક અને ડરામણો અનુભવ હતો. મને પોલીસને બોલાવવાનો પણ સમય ન મળ્યો. તેઓએ મારા માથા પર બંદૂક તાકી હતી.


Google NewsGoogle News