Get The App

ભૂખ-તરસના કારણે સોનાની ખાણમાં 100 શ્રમિકોના મોત, હજુ 500 ફસાયા હોવાની આશંકા

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
South Agrica Gold Mines Accident


South Agrica Gold Mines Accident: દક્ષિણ આફ્રિકાથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક જૂથે માહિતી આપી છે કે દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાઈ જવાથી ઓછામાં ઓછા 100 શ્રમિકોના મોત થયા છે, જે તમામ ગેરકાયદે રીતે ખાણ કામ કરતા હતા. મળતી માહિતી મુજબ, આ તમામ શ્રમિકો સાઉથ આફ્રિકામાં સોનાની ખાણમાં ગેરકાયદે રીતે માઇનિંગ કરી રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે આ માઇનિંગમાં આશરે 100 મજૂરોના મોત થયા છે.

શું છે સમગ્ર મામલો?

ખાણમાં ફસાયેલા આ મજૂરો કેટલાય મહિનાઓથી ભૂખ અને તરસ સાથે ઝઝૂમી રહ્યા હતા. સાઉથ આફ્રિકાના સ્ટિલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેનમાં આવેલી સોનાની ખાણોમાં લગભગ 100 કામદારો ફસાયા હતા. તેમને બહાર કાઢતી વખતે ખબર પડી કે તેઓ ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘટના સંબંધિત માહિતી મજૂરો દ્વારા મોબાઈલ ફોન દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી મળી હતી, જેમાં પ્લાસ્ટિકમાં લપેટેલા મૃતદેહો બતાવવામાં આવ્યા છે.

ભૂખ અને તરસથી મૃત્યુ

માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન ગ્રુપના જણાવ્યા અનુસાર, રાહત કાર્ય દરમિયાન અત્યાર સુધીમાં 26 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આ ખાણ એટલી ઊંડી છે કે હજુ પણ 500 જેટલા શ્રમિકો ત્યાં ફસાયેલા હોવાની શક્યતા છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી હોવાનું કહેવાય છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું પહેલું કારણ ભૂખ હોવાનું જણાવાયું છે. ખાણમાં ખોરાક અને પાણી પુરવઠો બંધ થવાને કારણે તમામ કામદારોના મોત થયા હતા. 

પોલીસ અને કામદારો વચ્ચે અથડામણ

પોલીસે ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યા બાદ કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી કામદારો બહાર નીકળી રહ્યા ન હતા, જ્યારે કામદારોનો આરોપ છે કે પોલીસે તેમના દોરડા હટાવ્યા હતા, જેના કારણે તેઓ બહાર ન આવી શક્યા.

ગેરકાયદે માઇનિંગ

સાઉથ આફ્રિકામાં ગેરકાયદે માઇનિંગ એક સામાન્ય સમસ્યા છે. જ્યારે મોટી કંપનીઓ ખાણોને નકામી ગણીને છોડી દે છે, ત્યારે સ્થાનિક ખાણિયાઓ બાકીનું સોનું કાઢવાનો પ્રયાસ કરે છે. આ ખતરનાક પરિસ્થિતિ તેમના જીવન માટે ખતરો બની જાય છે. તેમજ હવે શ્રમિકોના મોતથી ખાણની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા થયા છે.

ભૂખ-તરસના કારણે સોનાની ખાણમાં 100 શ્રમિકોના મોત, હજુ 500 ફસાયા હોવાની આશંકા 2 - image



Google NewsGoogle News