43,000 કરોડની સંપત્તિ ઠુકરાવી, દિગ્ગજ ટેલીકોમ કંપનીના પૂર્વ માલિકના દીકરાએ લીધો સંન્યાસ
Malaysia Businessman Anand Krishnan: મલેશિયાના અબજોપતિ અને દિગ્ગજ ટેલિકોમ કંપનીના એરસેલના પૂર્વ માલિક આનંદ કૃષ્ણનના પુત્ર વેન અજાન સિરિપાન્યોએ પિતાની 45339 કરોડની સંપત્તિ છોડી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. રાજાશાહીમાં જીવન જીવનારા વેન અજાને 18 વર્ષની વયે જ ભોગ-વિલાસ અને સમૃદ્ધિ છોડી બૌદ્ધ ધર્મનો સંન્યાસી બનવાની જાહેરાત કરી છે.
મલેશિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
મલેશિયાના ધનિકોની યાદીમાં આનંદ કૃષ્ણન 5 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે. ટેલિકોમ, મીડિયા, સેટેલાઈટ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવતા આનંદ કૃષ્ણન આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને પણ સ્પોન્સર કરી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ મધ્યમવર્ગની ઘરેલુ બચત ઘટી 50 વર્ષના તળિયે મોંઘવારીના લીધે આર્થિક પડકારો વધ્યાંઃ રિપોર્ટ
માતા-પિતાએ આપી સહમતિ
વેન અજાન સિરિપાન્યોને સંન્યાસ અપનાવવા માતા-પિતા બંનેએ સહમતિ આપી છે. વેનના જીવનમાં આટલું મોટુ પરિવર્તન થાઈલેન્ડમાં એક આશ્રમની મુલાકાત લીધા બાદ આવ્યું હતું. તે થાઈલેન્ડમાં મોસાળ ગયો હતો, ત્યારે અચાનક એક આશ્રમની મુલાકાત લીધી હતી. અને આ આશ્રમમાં સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. હાલ તે થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિતિ દુતાઓ ડમ મઠના પ્રમુખ (અબ્બોટ) તરીકે જીવન જીવી રહ્યા છે.
પહેલાંથી જ સરળ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન
આનંદ કૃષ્ણન અને તમનો પરિવાર પણ બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જેથી બાળપણથી જ વેન અજાન સિરિપાન્યો ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હતાં. પોતાની બે બહેનો સાથે લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને સમજવા માટે જુદી-જુદી આઠ ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું.