સોમાલિયાના ચાંચિયાઓએ બાંગ્લાદેશના જહાજને કર્યુ હાઈજેક, ભારતીય નૌસેનાનુ જહાજ મદદ માટે પ્રયત્ન કરી રહ્યુ છે
image : Socialmedia
નવી દિલ્હી,તા.16 માર્ચ 2024,શનિવાર
હિન્દ મહાસાગરમાં દરિયાઈ ચાંચિયાઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેની સામે ભારતીય નૌસેનાએ પોતાના જહાજોને પેટ્રોલિંગ માટે પણ ઉતાર્યા છે.
મળતી વિગતો પ્રમાણે દરિયાઈ ચાંચિયાઓએ મોઝામ્બિકથી યુએઈ જઈ રહેલા બાંગ્લાદેશી જહાજ એમ વી અબ્દુલ્લાહનુ અપહરણ કર્યુ છે. જહાજમાં લગભગ 58000 ટન કોલસો ભરેલો છે. જહાજને સોમાલિયન ચાંચિયાઓએ હાઈજેક કર્યુ છે અને સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 600 કિલોમીટર દુર આ ઘટના બની છે.
જહાજ બાંગ્લાદેશી કંપનીનુ છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમાં 23 ક્રુ મેમ્બર્સ સવાલ છે. ક્રુ મેમ્બર્સ જહાજના કેબિનમાં સુરક્ષિત છે. જ્યારે ચાંચિયાઓએ જહાજના બાકીના હિસ્સાઓ પર કબ્જો જમાવ્યો છે.
બાંગ્લાદેશ મર્ચન્ટ મરીન ઓફિસર્સ એસોસિએશનના અધ્યક્ષ અનમ ચૌધરીના કહેવા પ્રમાણે ક્રુ મેમ્બર્સે મદદ માટે એક વોટસએપ મેસેજ કર્યો હતો અને તેમાં કહેવાયુ હતુ કે, ભારે હથિયારો અને દારુગોળા સાથે ચાંચિયાઓ જહાજ પર ચઢી આવ્યા છે અને અમે કેબિનમાં બંધ છે.
દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય નૌસેનાના જહાજે આ સંદેશાનો જવાબ આપ્યો હતો. 12 માર્ચે જહાજ પર શું સ્થિતિ છે તે જાણવા માટે ક્રુ મેમ્બર્સનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરાયો હતો. જોકે કોઈ જવાબ મળ્યો નહોતો.
અત્યારે જહાજની શું સ્થિતિ છે તે સ્પષ્ટ નથી પણ તે ચાંચિયાઓના કબ્જામાં હોવાનુ મનાઈ રહ્યુ છે. જહાજની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.