અમેરિકામાં મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ લાગ્યા નારા, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ
Slogans Against Muhammed Younus In New York: બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલા મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ ન્યુયોર્કમાં નારા લગાવવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ તેમના વિરુદ્ધ 'વાપસ જાઓ'ના નારા લગાવ્યા. મોહમ્મદ યૂનુસ 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાને લઈને યૂનુસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. લોકોએ ' Younus Go Back'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન લોકોના હાથમાં પોસ્ટર પણ હતા જેમાં 'શેખ હસીના અમારા વડાપ્રધાન' જેવા મેસેજ લખ્યા હતા. નોંધનીય છે કે, શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા અને સંસદ ભંગ બાદ યૂનુસે 8 ઓગષ્ટના રોજ વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
અમેરિકામાં પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે 84 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા ગંદી રાજનીતિ રમીને સત્તામાં આવ્યા છે. એક પ્રદર્શનકારી શેખ જમાલ હુસૈને કહ્યું કે, મહોમ્મદ યૂનુસે ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે સત્તા મેળવી છે. તેમણે ગંદી રાજનીતિ કરી અને ઘણા લોકો માર્યા ગયા છે. અત્યાર સુધી આપણા ચૂંટાયેલા વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું નથી આપ્યું. અમે એક થઈને રાષ્ટ્રને કહેવા માંગીએ છીએ કે, યૂનુસ અહીં બાંગ્લાદેશી લોકોનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા.
તેમને લઘુમતીઓની ચિંતા નથી: પ્રદર્શનકારી
અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમે ધર્મનિરપેક્ષ લોકતંત્રમાં વિશ્વાસ કરીએ છીએ. બળપૂર્વક સત્તા હાંસલ કર્યા બાદ તેમણે હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મારવાનું શરૂ કરી દીધું, તેઓ સળગી રહ્યા છે. અમારા લોકો બાંગ્લાદેશમાં સુરક્ષિત નથી. પ્રદર્શનકારીએ કહ્યું કે, હું બાંગ્લાદેશના 177 મિલિયન લોકોનું પ્રતિનિધત્વ કરનાર ગેરકાયદેસર, બિનચૂંટાયેલ વ્યક્તિનો વિરોધ કરવા માટે અહીં આવ્યો છું. તેઓ ચૂંટાયેલા નથી, તેમને નિદ્યાર્થીઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને લઘુમતીઓની કે અન્ય કોઈની ચિંતા નથી. તેમણે ગેરકાયદેસર રીતે દેશ પર કબજો કરી લીધો છે.