ફરવા નહી ભરપૂર ઉંઘ લેવાનું સ્લીપ ટુરિઝમ, પ્રવાસનનો એક નવો જ કોન્સેપ્ટ
સ્લીપ ટુરિઝમનો મુખ્ય હેતું પ્રવાસીને તણાવમાંથી મુકત કરવાનો છે
સ્લીપ ટૂરિઝમને નેપકેશન અને નેપ હોલિડે પણ કહેવામાં આવે છે
ન્યૂયોર્ક, 4 સપ્ટેમ્બર,2024,બુધવાર
સામાન્ય રીતે લોકો પોતાની ઉંઘના ભોગે હરવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે, ઓવર નાઇટ જર્ની કરીને દિવસ દરમિયાન સાઇટ સીન કરીને સમય બચાવે છે પરંતુ એક એવું ટુરિઝમ વિકસી રહયું છે જેને સ્લીપ ટુરિઝમ કહેવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વમાં એવી અનેક હોટલો છે જે સ્લીપ ટુરિઝમની ઓફર કરી રહી છે. આ હોટલમાં મહેમાનોને રોજબરોજની જીંદગી અને વ્યસ્તતા વચ્ચે ગાંઢ ઉંઘ પર ધ્યાન આપવામાં આવે છે.
સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે ઉંઘવાની સુવિધા પર વિશેષ ભાર મુકવામાં આવે છે. સ્લીપ ટૂરિઝમને નેપકેશન અને નેપ હોલિડે પણ કહેવામાં આવે છે. સ્લીપ ટુરિઝમનો મુખ્ય હેતું પ્રવાસીને તણાવમાંથી મુકત કરવાનો છે. એક નવા સ્થળે જવાનું અને તણાવ મુકત રહેવું ખૂબજ જરુરી છે. સતત હરવા ફરવાથી નહી પરંતુ આરામ કરવાથી શરીરને નવી ઉર્જા મળે છે. વાસ્તવમાં તેના માટે ઉંઘને ખૂબજ પ્રાથમિકતા આપવામાં આવે છે.
હોટલમાં યોગ, મેડિટેશન,માલિશ, રિફલેકસોલોજી અને વ્યાયમ જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. કેટલીક હોટલોની બેડસાઇડમાં સ્લીપ ટેકર્સ પણ લગાવવામાં આવે છે જેથી કરીને મહેમાનોની સ્લીપ પેટર્ન વિશે જાણી શકાય છે. એક રિપોર્ટ અનુસાર લોકો પોતાની વ્યસત જીવનશૈલીમાં ગુણવત્તાવાળી પુરતી ઉંઘ લઇ શકતા નથી. આથી પીઠ દર્દ અને શરીરનો દુખાવો અને એન્ઝાઇટી જેવી બીમારીઓ વધતી જાય છે. અમેરિકામાં થયેલા એક સર્વેમાં ૫૭ ટકા અમેરિકનોએ કબુલ્યું હતું કે લાંબી અને ગાંઢ ઉંઘ મળે ત્યારે જ બહેતર મહેસુસ કરી શકાય છે.