રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના... રિપબ્લિકન નેતા ટ્રમ્પની જીત થઈ, પરંતુ 6 ભારતીય મૂળના ડેમોક્રેટ નેતા પણ ચૂંટાયા
Six Indian Americans Win Elections: અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીત લગભગ નક્કી છે. હવે ફક્ત સત્તાવાર જાહેરાત જ બાકી છે, પરંતુ અમેરિકન નાગિરકોએ ટ્રમ્પને 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લીધા છે. ટ્રમ્પે વર્તમાન ઉપ પ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. જો કે, આ ચૂંટણીમાં ભારતીય મૂળના 6 ડેમોક્રેટ નેતાએ બાજી મારી છે. જેમાં વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ, કેલિફોર્નિયાથી અમી બેરા, ઇલિનોઇથી રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાથી રો ખન્ના, વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ અને મિશિગનથી શ્રી થાનેદાર સાંસદ તરીકે ચૂંટાવામાં સફળ રહ્યા છે.
સુહાસ સુબ્રમણ્યમે ઈતિહાસ રચ્યો
ભારતીય-અમેરિકન વકીલ અને ડેમોક્રેટ નેતા સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. સુબ્રમણ્યમે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા હતા. તેઓ હાલમાં વર્જિનિયાના સેનેટર છે. આ પહેલા સુહાસ સુબ્રમણ્યમ વ્હાઇટ હાઉસમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ભારતીય મૂળના નેતાઓ યુએસ ચૂંટણીમાં પ્રભુત્વ જમાવ્યું
શ્રી થાનેદાર 2023થી મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના ડેમોક્રેટ સભ્ય છે. હવે તેમને બીજી વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.
એવી જ રીતે, 2017થી ઇલિનોઇસ રાજ્યના ડેમોક્રેટ સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ પણ ચૂંટાઈ ગયા છે. પરિણામ આવ્યા બાદ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે ‘મારા માતા-પિતા અમારા પરિવારના ભવિષ્ય માટેનું સ્વપ્ન લઈને આ દેશમાં આવ્યા હતા. અમને વિશ્વાસ છે કે, અમેરિકામાં અમે સફળતા હાંસલ કરી શકીએ છીએ. ઘણો મુશ્કેલ સમય હોવા છતાં અમે એ સાબિત કરી બતાવ્યું છે. કોંગ્રેસમાં અમારું ધ્યેય સપના પૂરા કરવા માંગતા લોકો માટે રાજકીય લડત લડવાનું છે.’
આ પણ વાંચો: અમેરિકાના 7 સ્વિંગ સ્ટેટ્સમાં કમલા હેરિસના સૂપડાં સાફ, ડોનાલ્ડ ટ્રમ્પની ક્લિન સ્વીપ
આ ઉપરાંત કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા ડેમોક્રેટ રો ખન્ના અને વોશિંગ્ટન સ્ટેટના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા ડેમોક્રેટ પ્રમિલા જયપાલ પણ ફરી ચૂંટણી જીતી ગયા છે.
આ ઉપરાંત વ્યવસાયે ડૉક્ટર ડૉ. અમી બેરા પણ મૂળ ભારતીય ડેમોક્રેટ નેતા છે, જે 2013થી કેલિફોર્નિયાના છઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ સતત સાતમી વખત ચૂંટાયા છે.