Get The App

ઇઝરાયલે હિઝબુલ્લાહના 100 રોકેટ લોન્ચર ખતમ કરતાં સ્થિતિ વિસ્ફોટક, ભયાનક યુદ્ધના એંધાણ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ઇઝરાયલે હિઝબુલ્લાહના 100 રોકેટ લોન્ચર ખતમ કરતાં સ્થિતિ વિસ્ફોટક, ભયાનક યુદ્ધના એંધાણ 1 - image


- કમાન્ડર અકીલને ટાર્ગેટ કરી કરેલા હુમલામાં આઠનાં મોત

- લેબેનોનની સાથે ગાઝા પટ્ટીમાં પણ જારી રાખેલા હુમલામાં 15ના મોત, આતંકવાદીઓને માર્યાનો દાવો

નવી દિલ્હી : ઇઝરાયલે લેબેનોનમાં દક્ષિણ લેબેનોનને લક્ષ્યાંક બનાવીને હુમલા જારી રાખતા મધ્યપૂર્વમાં સ્થિતિ વિસ્ફોટક બની છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર ૧૪૦ રોકેટ છોડતા ઇઝરાયલે વળતા પ્રહારમાં કરેલા હવાઈ હુમલામાં તેના 1000 બેરલવાળા 100 રોકેટ લોન્ચર ખતમ કરી નાખ્યા છે. તેના લીધે હિઝબુલ્લાહ બરોબરનું ગિન્નાયું છે. તે ઇઝરાયલ પર ફરી પાછો ઘાતક હુમલો કરવાની વેતરણમાં છે. 

ઇઝરાયલના લશ્કર આઇડીએફે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક સ્થળોને લક્ષ્યાંક બનાવ્યા અને કેટલાય રોકેટ લોન્ચર બેરલ ખતમ કરી નાખ્યા. ઇઝરાયલના લશ્કરના જણાવ્યા મુજબ અમારા લડાકુ વિમાનોએ 1000 બેરલવાળા લગભગ 100 રોકેટ લોન્ચરો પર હુમલા કરી તેને સંપૂર્ણપણે ખતમ કરી દીધા.

ઇઝરાયલના આ હવાઈ હુમલામાં આઠના મોત થયા છે અને લગભગ 60ને ઇજા થઈ છે.  તેણે હિઝબુલ્લાહના પ્રભુત્વવાળા વિસ્તાર પર હુમલા કર્યા હતા. 

ઇઝરાયલના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લાહના કમાન્ડર ઇબ્રાહિમ અકીલને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવ્યો હતો. ઇઝરાયલના લડાકુ વિમાનોએ જે બિલ્ડિંગોને ઉડાવી દીધા તે બિલ્ડિંગમાં અકિલ હોવાનું માનવામાં આવે છે. અકીલ હિઝબુલ્લાહના રેડવાન એલાઇટ ફોર્સ એન્ડ જિહાદ કાઉન્સિલનો વડો હતો. ૧૯૮૩માં બૈરુતમાં અમેરિકન રાજદૂતાવાસા પર થયેલા હુમલામાં તેની ભૂમિકા બદલ અમેરિકાએ તેના પર પ્રતિબંધ લાદેલો છે.

આ પહેલા હમાસે ઇઝરાયલ પર 140 રોકેટ છોડયા હતા. તેમાથી ૧૨૦ રોકેટ ઇઝરાયલના આયર્ન ડોમ સિસ્ટમે ખતમ કરી નાખ્યા હતા અને 20 રોકેટ જ પડયા હતા. જો કે કોઈપણ પ્રકારની જાનહાનિનો ઇઝરાયલે ઇનકાર કર્યો હતો.

આ ઉપરાંત લેબેનોનને લક્ષ્યાંક બનાવવાની સાથે ઇઝરાયલે ગાઝા પરના હુમલાની તીવ્રતા ઓછી કરી નથી. તેણે ગઇકાલે ગાઝાપટ્ટી પર કરેલા હુમલામાં કુલ 15ના મોત થયા છે અને તેમા બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયલના લશ્કરે આ અંગે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમે તો આતંકવાદીઓને લક્ષ્યાંક બનાવીને જ હુમલા કરીએ છીએ.


Google NewsGoogle News