સિંગાપુરઃ વંશીય ભેદભાવનો સામનો કરી રહેલા ભારતીય મૂળના પોલીસ અધિકારીનુ રહસ્મય મોત, તપાસનો આદેશ
Image Source: Twitter
સિંગાપુર, તા. 22 જૂલાઈ 2023
સિંગાપુર પોલીસમાં ફરજ બજાવતા ભારતીય મૂળના 36 વર્ષીય પોલીસ અધિકારી ઉવારાજા ગોપાલ પોતાના ઘરમાંથી બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનુ મોત થયુ છે.
પોલીસ અધિકારીના રહસ્યમય મોત બાદ સિંગાપુરમાં હડકંપ મચ્યો છે. સિંગાપુરના ગૃહ મંત્રી ષણમુગમે દિવગંત પોલીસ અધિકારીના મોત પર દુખ વ્યક્ત કરીને તેમની મોતના તપાસના આદેશ આપ્યા છે.
ગૃહ મંત્રીએ પોતે કહ્યુ છે કે, મરનાર પોલીસ અધિકારી પોલીસ ફોર્સમાં વંશીય ભેદભાવનો સામનો કરી રહ્યા હતા અને આ પ્રકારના આરોપો ગંભીર છે. પોલીસ વિભાગની નીતિ છે કે, કોઈની સાથે કોઈ ભેદભાવ થવો જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, મરનાર અધિકારી ગોપાલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસ ફોર્સના ખરાબ વર્ક કલ્ચરનો ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટને તેમણે બાદમાં ડિલિટ કરી નાંખી હતી. ગોપાલે આ બાબતે ઉપરી અધિકારીઓ પાસે મદદ માંગી હતી પણ તેમને કોઈ જવાબ મળ્યો નહોતો.
પોલીસે પણ હવે નિવેદન આપ્યુ છે કે, ગોપાલે વંશીય ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમે તેની તપાસ કરી રહ્યા છે.