37000 ફૂટની ઊંચાઈએ એર ટર્બુલન્સમાં ફસાયું વિમાન, 1નું મોત, 211 મુસાફરોના જીવ પડીકે બંધાયા
Airlines News | સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ તોફાનમાં સપડાતા એકનું મોત થયું હતું અને ત્રીસ ઇજા પામ્યા હતા. લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉપડેલી અને સિંગાપોર જવા નીકળેલી આ ફ્લાઇટ થાઇલેન્ડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે તોફાનમાં સપડાઈ હતી. તોફાનમાં સપડાઈ જવાના લીધે ફ્લાઇટની અંદર ખાનાખરાબી મચતા તેનું તાકીદે બેંગકોકમાં ઉતરાણ કરવું પડયું હતું.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટનો પેસેન્જર 73 વર્ષીય બ્રિટિશ નાગરિક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હોવાનું મનાય છે. તેનું નામ હજી સુધી જાણી શકાયું નથી. ફ્લાઇટ તોફાનમાં સપડાવવાના લીધે પેસેન્જરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.
બોઇંગ 777-300 ઇઆર ફ્લાઇટ 211 પેસેન્જર અને 18 ક્રૂ મેમ્બર સાથે ઉપડી હતી. તેણે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ 3:45 વાગે લેન્ડિંગ કર્યુ હતું.
ફ્લાઇટ ઉતરતા તરત જ ઇમરજન્સી ક્રૂ પેસેન્જરોને મદદ કરવા ધસી ગયા હતા. એમ્બ્યુલન્સના કેટલાય વિડીયો વાઇરલ થયા છે.સિંગાપોર એરલાઇન્સે ફેસબૂક પર જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગના ચાર કલાક પછી ૧૮ જણા હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બીજા ૧૨ને બહાર સારવાર આપી દેવાઈ છે.
બાકીના પેસેન્જરો અને ક્રૂની પણ ચકાસણી કરવામાં આવી હતી અને જરુર હોય તેને સારવાર પણ આપવામાં આવી હતી. થાઇલેન્ડના પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સે મંગળવારે રાત્રે બાકીના પેસેન્જરોને લેવા માટે વધુ એક પ્લેન મોકલશે.
ફ્લાઇટ ટ્રેકિંગ રાડારનો ડેટા દર્શાવે છે કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ એસક્યુ૩૨૧ ૩૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે જ તોફાનમાં સપડાવવાના લીધે ત્રણ જ મિનિટમાં સીધી ૩૧ હજાર ફૂટ પર આવી ગઈ હતી. જો કે તેના પછી ત્યાં દસ મિનિટ સુધી પ્લેન સ્થિર રાખવામાં પાયલોટને સફળતા મળી હતી. ત્યારબાદ પાયલોટ પ્લેનને નજીકના બેંગકોક એરપોર્ટ પર લઈ ગયો હતો.
એર ટર્બ્યુલન્સ શું છે ?
હવાઇ ઉડ્ડયન ક્ષેત્રમાં એર ટર્બ્યુલન્સ શબ્દનો ખાસ્સો ઉપયોગ થાય છે. એર ટર્બ્યુલન્સ એવી ઘટના છે જેનાથી દરેક પાયલોટ બચવા ઇચ્છે છે. દરેક વિમાની પ્રવાસી માટે આ ઘટનાનો ભોગ બનવો તે અત્યંત ખરાબ અનુભવ હોય છે. ટર્બ્યુલન્સ વાસ્તવમાં હવાના પ્રવાહમાં દબાણ અને ઝડપમાં આવેલું અચાનક પરિવર્તન હોય છે. તેના લીધે વિમાનને રીતસરનો ધક્કો લાગે છે. વિમાન હાલકડોલક થવા લાગે છે, જેને એરક્રાફ્ટ શેકિંગ કહે છે. ટર્બ્ય્લન્સના લીધે મામૂલીથી લઈને તેજ ઝાટકા સહન કરવાના આવી શકે છે. તેના પરિણામ અત્યંત ભયજનક હોઈ શકે છે. હવામાં સ્થિરતાના આધારે ટર્બ્ય્લુન્સને હળવા, મધ્યમ અને અત્યંત ગંભીર એમ ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય છે.