Get The App

યુએસમાં પોલીસ ગેરકાયદે ઇમિગ્રન્ટસ શોધવા ગુરુદ્વારામાં પહોંચતા શીખો નારાજ

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
યુએસમાં પોલીસ ગેરકાયદે ઇમિગ્રન્ટસ શોધવા  ગુરુદ્વારામાં પહોંચતા શીખો નારાજ 1 - image


- શીખોએ નવા આદેશને ધાર્મિક પવિત્રતાનો ભંગ ગણાવ્યો

- બાઇડેન વહીવટીતંત્રએ સંવેદનશીલ સ્થળોની મુલાકાત ન લેવા આપેલા આદેશને પ્રમુખ ટ્રમ્પે રદ કરી દીધો

વોશિંગ્ટન : અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વસાહતીઓને શોધી-શોધીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની પોલીસે ગેરકાયદે વસાહતીઓને શોધવા માટે શીખોના ગુરુદ્વારામાં પણ જવાનું શરૂ કરી દીધું છે, જેનો કેટલાક શીઘ સંગઠનોએ વિરોધ કર્યો છે. તેઓએ આને તેમની ધાર્મિક પવિત્રતાનો ભંગ ગણાવ્યો છે.

 ન્યૂયોર્ક અને ન્યુજર્સીના કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ શીખ અલગતાવાદીઓને અને ગેરકાયદે આવેલા વસાહતીને આશ્રય આપવા કરાતો હોવાનું ન્યૂઝ એજન્સીઓનું કહેવું છે.

અમેરિકન પોલીસ (હોમલેન્ડ સિક્યોરિટી)ના પ્રવક્તાએ જણાવ્યું છે કે હવે ગુનેગારો ધરપકડથી બચવા માટે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં પણ છૂપાઈ નહીં શકે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેમના બહાદુર કાયદાકીય અધિકારીઓના હાથ નહીં બાંધે, પરંતુ તેમની કાર્યવાહી પર વિશ્વાસ કરશે. અમેરિકન પોલીસની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એજ્યુકેશન ફંડે આ દિશાનિર્દેશો અંગે ચિંતા વ્યક્ત કરી, જેમા પૂજાસ્થળો જેવા સંવેદનશીલ સ્થળોને ચિન્હિત કરવામાં આવ્યા છે. બાઇડેનના શાસન દરમિયાન આ સ્થળો પર તેમની કાર્યવાહી પ્રતિબંધિત હતી. 

ટ્રમ્પે બાઇડેન તંત્રની નીતિ ફગાવી દેતા હવે અમેરિકન પોલીસના અધિકારીઓ ન્યૂયોર્ક અને ન્યુજર્સીમાં ગુરુદ્વારામાં જવા લાગ્યા છે. સંસ્થાના કાર્યકારી નિર્દેશક કિરણ કૌર ગિલે જણાવ્યું હતું કે અમે હોમલેન્ડ સુરક્ષા વિભાગના સંવેદનશીલ ક્ષેત્રોની સુરક્ષા ખતમ કરવા અને પછી ગુરુદ્વારા જેવા પૂજાસ્થળોને નિશાન બનાવવાના નિર્ણયથી ખૂબ જ ચિંતિત છીએ. 

ગિલે જણાવ્યું હતું કે ગુરુદ્વારા ફક્ત પૂજાઅર્ચનાનું સ્થળ નથી, પરંતુ મુખ્ય સામુદાયિક કેન્દ્ર છે. અહીં શીખો અને વ્યાપક સમુદાયને પોષણ અને આધ્યાત્મિક સાંત્વના આપવામાં આવે છે.આ સ્થળોને કાયદાકીય કાર્યવાહી માટે લક્ષ્યાંક બનાવવા તે અમારી આસ્થાની પવિત્રતાને ભયમાં મૂકે છે. તેની સાથે સમગ્ર અમેરિકાના માઇગ્રન્ટ્સને ભયજનક સંદેશ જાય છે. તેમણે જણાવ્યું હતું કે શીખ આસ્થા અને પરંપરા માટે તે સ્વીકાર્ય નથી કે અમારા ગુરુદ્વારા પર સરકારી દેખરેખ રાખવામાં આવે અને વગર વોરંટે દરોડા પાડવામાં આવે. તેનાથી શીખોની એકત્રિત થવાની અને જોડાવવાની ક્ષમતા પર અસર પડશે. 


Google NewsGoogle News