કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ તિરંગાનું સન્માન કરનારા ભારતીય શીખ પરિવાર પર કર્યો હુમલો

ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિન્દુઓ પર અવારનવાર હુમલાઓની ઘટના

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ તિરંગાનું સન્માન કરનારા ભારતીય શીખ પરિવાર પર કર્યો હુમલો 1 - image



Khalistani in canada : કેનેડામાં ખાલિસ્તાન જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) ના સભ્યો દ્વારા ફરી વખત એક ભારતીય પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો એવો છે કે  કેનેડાના એબોટ્સફોર્ડમાં વાનકુવર એમ્બેસી દ્વારા આયોજિત ભારતીય હાઈ કમિશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ભારતીય પરિવાર દ્વારા જમીન પર પડેલો ભારતીય રાષ્ટ્રધ્વજ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ખાલિસ્તાન જૂથ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

કેનેડામાં ભારતીય પરિવાર પર હુમલો 

SFJ જૂથના આગેવાન પન્નુને ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તેમના દ્વારા એક શીખ પરિવારને નિશાન બનાવ્યો હતો. આ પરિવારમાં એક વૃદ્ધ વ્યક્તિ, તેનો પુત્ર અને પૌત્ર સામેલ હતા. આ વૃદ્ધ વ્યક્તિ તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવા ગુરુદ્વારા સાહિબ આવ્યા હતા. મળતી માહિતી પરથી જાણવા મળ્યું કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તેણે જમીન પર પડેલા ભારતીય રાષ્ટ્રધ્વજને ઉપાડી તેનું સન્માન જાળવવાનો પ્રયાસ કર્યો. અગાઉ પણ અનેક વખત ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે.

કેનેડામાં દિવાળીની ઉજવણી કરતાં હિન્દુઓ પર કર્યો પથ્થરમારો

કેનેડાના ક્યૂબેક પ્રાંત્ના બ્રોમ્પ્ટન બોરોમાં દિવાળીની ઉજવણી દરમિયાન ગઈકાલે પથ્થરમારાની ઘટના બની હતી. જ્યાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિન્દુઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર આ પ્રકારનો ઉપદ્રવ છતાં કેનેડાની પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નહોતી. ખાલિસ્તાની સમર્થકો પીળા ઝંડા સાથે જ ઉત્સવની ઉજવણી કરનારા લોકો પાસે પહોંચી ગયા હતા. 

કેનેડા પોલીસે શું કહ્યું? 

આ મામલે સુત્રોનું કહેવું છે કે કેનેડાની પોલીસે આ ઉપદ્રવને બે સમુદાય વચ્ચેનો ઝઘડો ગણાવ્યો હતો અને કહ્યું બે ધર્મના લોકો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. ભારત સરકારના અધિકારીનું કહેવું છે કે ખાલિસ્તાન સમર્થકોની આ હરકતોને જોયા બાદ પણ જસ્ટિન ટ્રુડોની સરકાર મૂકદર્શક બની ચૂકી છે. તે અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાની સંગઠનોને પ્રોત્સાહન આપે છે. આ મુદ્દાને હવે રાજકીય સ્તરે ઊઠાવાશે.   



Google NewsGoogle News