મેં 2020ના ચૂંટણી પરિણામો બાદ વ્હાઇટ હાઉસ છોડીને જ ભૂલ કરી હતી, ટ્રમ્પના નિવેદનથી હોબાળો
Image: IANS |
USA Presidential Election: અમેરિકા(USA)માં મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક નેતા કમલા હેરિસ મુખ્ય ચૂંટણી રાજ્યોમાં મતદારોને આકર્ષવામાં વ્યસ્ત છે. ચૂંટણીના ગણતરીના બાકી દિવસોમાં ટ્રમ્પે 2020ની ચૂંટણીની કડવી યાદો તાજી કરી હતી અને કહ્યું હતું કે મારે વ્હાઇટ હાઉસ છોડવું જ નહોતું. આ નિવેદનથી આશંકા સર્જાઈ છે કે, જો તેઓ હેરિસ સામે ચૂંટણી હારી જશે તો તેઓ આ પરિણામોનો સ્વીકાર કરશે નહીં.
75 મિલિયનથી વધુ મતદાન થયા
અમેરિકામાં પ્રારંભિક અને મેઈલ-ઈન મતદાન પર દેખરેખ રાખનારી યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાની ઇલેક્શન લેબ અનુસાર, રવિવાર સુધીમાં 75 મિલિયનથી વધુ અમેરિકનોએ તેમના મત આપ્યા છે. એકંદરે આ ઝુંબેશમાં હેરિસે દેશની મૂળભૂત સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા, બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવા અને મહિલાઓના અધિકારોને સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે, જ્યારે ટ્રમ્પ અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણ અને અમેરિકાને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી મુક્ત કરવાના વચનો આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકા ચૂંટણીમાં ગરબડની આશંકા, ટ્રમ્પે વોટર ID કાર્ડનો ઉઠાવ્યો મુદ્દો
કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે ટક્કર
વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ રાજ્યોની મુલાકાત લઈ સમર્થન આપવા અપીલ કરી રહ્યા છે. વિવિધ સર્વેમાં બંને ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી છે. આયોવામાં એક નવો સર્વે કહે છે કે હેરિસ 47 ટકા મતો સાથે આગળ છે, જ્યારે ટ્રમ્પ 44 ટકા સાથે આગળ છે. ટ્રમ્પે આ સર્વેને ખોટો ગણાવી ફગાવી દીધો હતો.
ટ્રમ્પ હાર્યા તો પરિણામો પર કર્યા હતા સવાલો
2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા ટ્રમ્પે રવિવારે પેન્સિલવેનિયામાં એક રેલીમાં કહ્યું કે તેમણે વ્હાઇટ હાઉસ છોડવું જ નહોતું. જો બાઈડેન સત્તા પર આવ્યા બાદ ટ્રમ્પે મતદાન પ્રક્રિયામાં છેતરપિંડીનો આક્ષેપ કર્યો અને પરિણામોને અદાલતોમાં પડકાર્યા હતા. જો કે, તેમના દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીને ભ્રષ્ટ ગણાવી છે. એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ડેમોક્રેટિક પાર્ટી ભ્રષ્ટ છે. તેઓ જીતવા માટે કંઈ પણ કરી શકે છે.