'કોઈ ત્રીજા દેશને નુકસાન થવું ના જોઈએ', ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપ્યા બાદ ચીન ધૂંધવાયુ
China Response on India Brahmos Missiles Deal : ભારતે ફિલિપાઈન્સને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની ડિલિવરી કરી દીધા બાદ ચીન સમસમી ગયું છે.
ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે સાઉથ ચાઈના સીમાં આવેલા ટાપુની માલિકીને લઈને ખટરાગ ચાલી રહ્યો છે ત્યારે જ ભારતે સમયસર મિસાઈલ મોકલી આપી છે. જેના પર ચીનની સેનાએ પ્રતિક્રિયા આપી છે.
ચીનની સેનાના પ્રવકતા વૂ કિયાને કહ્યું છે કે, 'ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સુરક્ષા સહયોગમાં કોઈ ત્રીજા દેશના હિતને નુકસાન ના થાય તે વાતનુ બંને દેશો ધ્યાન રાખે. ચીન હંમેશા બે દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રની ભાગીદારીના કારણે કોઈ ત્રીજા દેશને નુકસાન ના જાય અને પ્રાદેશિક શાંતિ જોખમાય નહીં તે સિધ્ધાંતમાં વિશ્વાસ કરતું આવ્યું છે. '
સાથે સાથે કિયાને અમેરિકાની ટીકા કરીને કહ્યું છે કે, 'ફિલિપાઈન્સમાં અમેરિકાએ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલની તહેનાતી કરીને આ વિસ્તારની સુરક્ષા અને શાંતિ સામે મોટો ખતરો ઉભો કર્યો છે.
ચીનની અકળામણનું કારણ એ છે કે, ફિલિપાઈન્સ સાથે ચીનનો સાઉથ ચાઈના સીમાં આવેલા થોમસ શોલ તથા સ્કારબરો શોલ નામના ટાપુની માલિકીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલિપાઈન્સે ચીનની દાનત પારખી જઈને ભારત સાથે બ્રહ્મોસ મિસાઈલ માટે ડીલ કરી છે. ભારત પણ ચીનની સામે પડેલા ફિલિપાઈન્સને મદદ કરી રહ્યુ છે. ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ માટે 2022માં સોદો થયો હતો.જેના ભાગરૂપે ભારત બ્રહ્મોસ મિસાઈલની ત્રણ બેટરી, તેને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ અને હેરફેર કરવા માટેનો સપોર્ટ પૂરો પાડશે. ભારતે ફિલિપાઈન્સને આપેલા બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 290 કિલોમીટર છે અને તે અવાજની ઝડપ કરતા બેથી ત્રણ ગણી ઝડપથી પોતાના લક્ષ્યાંક પર પ્રહાર કરી શકે છે.