કેનેડાઃ ખાલિસ્તાની આતંકી નિજ્જરના ખાસ દોસ્તના ઘર પર પણ ગોળીઓ વરસાવાઈ
image : Twitter
ઓટાવા,તા.03 ફેબ્રૂઆરી 2024,શનિવાર
ભારત અને કેનેડા વચ્ચે વિવાદનુ કારણ બનનારા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના ખાસ મિત્રના ઘર પર પણ ફાયરિંગ થયુ છે. આ ઘટના બાદ કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતની પોલીસ દોડતી થઈ ગઈ છે.
ગત જૂનમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ ટ્રુડોએ તેમાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકતા જ બંને દેશના સબંધોમાં કડવાશ આવી ગઈ હતી.
જોકે હવિ નિજ્જરના ખાસ મિત્રને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ થયો છે. પોલીસના કહેવા પ્રમાણે નિજ્જરના મિત્ર સિમરનજીત સિંહના ઘર પર ગુરુવારે મધરાતે ફાયરિંગ થયુ હતુ.
બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા કાઉન્સિલના કહેવા પ્રમાણે જે ઘર પર ફાયરિંગ થયુ તે હરદીપ સિંહ નિજ્જરના દોસ્ત સિમરનજીત સિંહનુ છે. પોલીસે પાડોશીઓના નિવેદન લીધા છે. ઘરની બહાર ઉભેલી કાર પર સંખ્યાબંધ ગોળીઓ વાગવા નિશાન છે. ઘર પર પણ ગોળીઓ વરસાવાઈ હતી. જોકે તેની પાછળના કારણની હજી જાણકારી સામે આવી નથી.
ગુરુદ્વારા કાઉન્સિલનુ કહેવુ છે કે, આ ઘટનાનુ નિજ્જરની હત્યા સાથે પણ કનેક્શન હોઈ શકે છે. ફાયરિંગમાં સિમરનજિતસિંહની છ વર્ષની પુત્રીનો આબાદ બચાવ થયો છે.
સિમરનજીતસિંહે 26 જાન્યુઆરીએ વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ બહાર ખાલિસ્તાન તરફી દેખાવોના આયોજનમાં મદદ કરી હતી તેવુ પણ ગુરુદ્વારા કાઉન્સિલનુ કહેવુ છે.