ચૂંટણીસભામાં ટ્રમ્પ પર ગોળીબાર, માંડ બચ્યા
- અમેરિકી પ્રમુખપદના દાવેદાર પર હુમલાને વિશ્વભરનાં નેતાઓએ વખોડયો
- લોહિયાળ ચૂંટણી પ્રચાર
- રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનના બે દિવસ પહેલાં જ ટ્રમ્પ પર પક્ષના કાર્યકરે પાંચ ગોળી છોડી, હુમલામાં એક પ્રેક્ષકનું મોત, એકને ઈજા ઃ હુમલાખોર ઠાર
- સુરક્ષા સર્વિસની ત્વરિત કામગીરી પ્રશંસનીય, આપણા દેશમાં આ ઘટના બનવી અવિશ્વસનીય, ગોડ બ્લેસ અમેરિકા : ટ્રમ્પ
(પીટીઆઈ) શિકાગો/વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષના અંતમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક્તાના કારણે તેમનો હાથ ઉપર હોય તેવું જણાય છે. આવા સમયે અમેરિકાના પેન્સિલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે ૭૮ વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીઓનો વરસાદ થયો હતો, જેમાં તેમને જમણા કાન પર એક ગોળી વાગી હતી. હુમલાખોરે પાંચ ગોળી છોડી હતી, પરંતુ અન્ય કોઈને કોઈ નુકસાન થયું નથી. જોકે, આ હુમલા સાથે ટ્રમ્પનું રક્ષણ કરનારા સિક્રેટ એજન્ટો સક્રિય થયા હતા અને ૨૦ વર્ષીય હુમલાખોરને ઠાર કરી દીધો હતો.
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પેન્સિલવેનિયાના બટલર શહેર પહોંચ્યા હતા. અહીં ટ્રમ્પ એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે તેઓ ઉપર અચાનક ગોળીબાર કરાયો હતો, આ હુમલામાં ગોળી ટ્રમ્પના જમણા કાનને વાગતા પૂર્વ પ્રમુખનું મોં લોહીથી લાલ થઈ ગયું હતું. જોકે, આ સાથે જ ટ્રમ્પ તુરંત પોડિયમની પાછળ સંતાઈ ગયા હતા અને તેમનું રક્ષણ કરનારા સિક્રેટ સર્વિસના એજન્ટો તેમને ઘેરીવળીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા.
આ જ સમયે હુમલાખોરે બીજી ચાર ગોળીઓ છોડી હતી, જેમાં એક દર્શકનું મોત નીપજ્યું હતું અને અન્ય એકને ઈજા પહોંચી હતી. વધુમાં ટ્રમ્પ પર ગોળી છૂટતા જ સીક્રેટ સર્વિસ ગાર્ડ્સે તુરંત હુમલાખોરને માથામાં ગોળી મારીને ઠાર કર્યો હતો. પાછળથી એફબીઆઈએ હુમલાખોરની ઓળખ ૨૦ વર્ષીય થોમસ મેથ્યુક્રક તરીકે કરી હતી. ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે અને મૃત હુમલાખોર પર સદોષ મનુષ્યવધ હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ ઘટનાથી સમગ્ર દેશને આંચકો લાગી ગયો છે. પ્રમુખ બાયડેને આ ઘટનાને વખોડી કાઢતાં તેને એક અધમ પ્રયાસ તરીકે જણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકન રાજકારણમાં રાજકીય હિંસાને કોઈ જ સ્થાન નથી. ટ્રમ્પ પર હુમલાની જાણ થતાં તુરંત જ બાઈડેને પ્રતિસ્પર્ધી ઉમેદવારના ખબર અંતર પૂછ્યા હતા.
અમેરિકામાં જમણેરી રીપબ્લિકન પાર્ટીનાં રાષ્ટ્રીય અધિવેશનના બે દિવસ પૂર્વે જ આ ઘટના બની હતી. તે અધિવેશનમાં રિપબ્લિકન પક્ષ તેમને પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના છે. બટલરની રેલીમાં થયેલા આ હુમલા પછી પણ ટ્રમ્પે મુઠી ઊંચી કરી પ્રમુખપદે ટકી રહેવાની પોતાની દાવેદારી દર્શાવી દીધી હતી. તે સમયે પાછળ અમેરિકાનો ધ્વજ પણ સીસીટીવી ફુટેજમાં દેખાતો હતો. આ હુમલાથી અમેરિકન સિક્રેટ સર્વિસની કાર્યક્ષમતા પર સવાલો ઊઠવા લાગ્યા છે. કેવી રીતે એક હુમલાખોર હથિયાર સાથે પ્રમુખપદની ચૂંટણી રેલીમાં ઘૂસી શકે તેવા પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
જોકે, હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સીક્રેટ સર્વિસ અને કાયદાના રક્ષકનો અત્યંત ઝડપથી પગલાં લેતા હુમલાખોરને ઠાર કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, સૌથી પહેલા તો રેલીમાં મારી ગયેલી વ્યક્તિના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ ઈજાગ્રસ્ત વ્યક્તિના ઝડપથી સાજા થવાની કામના ઈચ્છું છું. આપણા દેશમાં આ ઘટના બની છે તે અવિશ્વસનીય છે. માર્યા ગયેલા શૂટર અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. મને એક ગોળી જમણા કાન પર વાગી. ખૂબ લોહી વહી ગયું. ભગવાન અમેરિકાની રક્ષા કરે. ગોડ બ્લેસ અમેરિકા.
- એઆર-૧૫ને સિવિલિયન રાઈફલ કહેવાય છે
- અમેરિકાની લોકપ્રિય રાઈફલ એઆર-૧૫થી હુમલો કરાયો
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચાર માટે પેન્સિલવેનિયાના બટલર શહેરમાં પહોંચ્યા ત્યારે હુમલાખોર માર્ક્સ ક્રૂક્સે અમેરિકાની સૌથી લોકપ્રિય રાઈફલ એઆર-૧૫થી જીવલેણ હુમલો કર્યો હતો.
આ રાઈફલ સેકંડમાં જ અનેક લોકોને મોતને ઘાટ ઉતારવા સક્ષમ છે. આ રાઈફલના અપગ્રેડ વર્ષનનો ઉપયોગ અમેરિકન સૈનિકો પણ કરે છે. માર્ક્સ ક્રૂક્સે માત્ર ૨૦૦ મીટર દૂરના અંતરથી ટ્રમ્પને ગોળી મારી હતી, પરંતુ ટ્રમ્પ નસીબથી બચી ગયો હતો. એઆર-૧૫ આધુનિક સપોર્ટિંગ રાઈફલની શ્રેણીમાં આવે છે અને તેને સિવિલયન રાઈફલ કહેવાય છે.
- હુમલાખોર થોમસની કાર અને ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી
ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનારની ઓળખ થોમસ મેથ્યુ ક્રૂક તરીકે થઇ છે તેની વય ૨૦ વર્ષની હોવાનું જાણવા મળી છે. તે રીપબ્લિકન વૉટર તરીકે નોંધાયો હતો.
(પેન્સીલિયામાં) અને બેથેલ પાર્કનો રહેવાસી હતો. જાન્યુ-૨૦, ૨૦૨૧માં ટ્રમ્પની જ્યારે શપથવિધિ થઇ ત્યારે તેણે રીપબ્લિકન પાર્ટીને ૧૫ ડોલરનું અનુદાન પણ કર્યું હતું. પરંતુ તેણે ટ્રમ્પ ઉપર શા માટે ગોળીબાર કર્યો તે પ્રશ્ન હજી અનુત્તર રહ્યો છે.
આશ્ચર્ય તો તે વાતનું છે કે ટ્રમ્પની રેલીમાં ગોળીબાર કરનારો યુવાન મેથ્યુ ક્રૂક સ્કુલમાં તો મેથેમેટિક્સમાં વિઝાર્ડ કહેવાતો હતો. તેને ૫૦૦ ડોલરનું ઇનામ પણ મળ્યું હતું.