પૂર્વ અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર : બાલ બાલ બચી ગયા

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
પૂર્વ અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર : બાલ બાલ બચી ગયા 1 - image


જો બાયડેને તુર્ત જ ખબર અંતર પૂછ્યા

ગોળીબાર કરનારને ગાર્ડે તુર્ત જ ગોળી મારી : ગોળીબાર કરનાર ૨૦ વર્ષનો થોમસ મેથ્યુક્રૂક્સ હોવાનું જાણવા મળ્યું છે

બટલર (પેન્સીલવાનિયા) : પેન્સીલવાનિયાનાં બટલ ટાઉનમાં, ચૂંટણી પ્રચાર કરી રહેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર થયો પરંતુ તેઓ બાલ બાલ બચી ગયા છે. ગોળી જમણા કાનના ઉપરના ભાગે છરકો કરી ગઈ તેથી લોહી ઉડતાં પૂર્વ પ્રમુખના મુખ ઉપર જમણી બાજુએ તો લોહીનો છંટકાવ થઇ ગયો હતો. પ્રમુખ જો બાયડેનને આ સમાચાર મળતાં તેઓએ તુર્તજ તેઓના પ્રતિસ્પર્ધીના ખબર અંતર પૂછ્યા હતા.

શનિવારે રાત્રે ટ્રમ્પ એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે તેઓ ઉપર ગોળીબાર કરાયો હતો. ગોળીબાર કરનારને સીક્રેટ સર્વિસ ગાર્ડઝે તુર્ત જ માથામાં જ ગોળી મારી તેને ઠાર માર્યો તે ગોળીબાર કરનારની ઓળખ થોમસ મેથ્યુક્રક તરીકે થઇ છે.

અંધાધૂંધ ગોળીબારમાં તે રેલીમાં ઉપસ્થિત રહેલી એક વ્યક્તિને ગોળી વાગતાં તેનું નિધન થયું હતું. જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ સમગ્ર ઘટનાની સહજ રીતે જ તપાસ થઇ રહી છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફ.બી.આઈ.)એ સદોષ મનુષ્યવધ હત્યાના પ્રયાસ નીચે ગુનો દાખલ કર્યો છે.

આ ઘટનાથી સમગ્ર દેશને આંચકો લાગી ગયો છે. પ્રમુખ બાયડેને આ ઘટનાને વખોડી કાઢતાં તેને એક અધમ પ્રયાસ તરીકે જણાવી હતી અને કહ્યું હતું કે રાજકીય હિંસાને આ દેશમાં કોઈ સ્થાન જ નથી. તેઓને આ માહિતી મળતાં તુર્ત જ પ્રતિસ્પર્ધીના ખબર અંતર પૂછ્યા હતા.

સ્પષ્ટ જમણેરી પાર્ટી રીપબ્લિકન પાર્ટીનાં રાષ્ટ્રીય અધિવેશનના બે દિવસ પૂર્વ જ આ ઘટના બની હતી. તે અધિવેશનમાં તેઓની પાર્ટી તેઓને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની છે, ત્યારે જ આ શ્રેણીબધ્ધ ગોળીબારો થયા હતા. તે સમયે ટ્રમ્પ ડાયસ ઉપર ઉભા હતા. પરંતુ ગોળીબારના અવાજો સાંભળી તેઓ પોડીયમ નીચે ચાલ્યા ગયા અને કવર લઇ લીધું. છતાં એક ગોળી તેઓના જમણા કાનના ઉપરના ભાગે છરકો કરી નીકળી ગઈ તેથી તેઓનાં મુખ ઉપર વિશેષતઃ જમણી બાજુે લોહીનો છંટકાવ થઇ ગયા. દરમિયાન ગાર્ડે ગોળીમારનારને જ ગોળી મારી દીધી હતી. ટ્રમ્પ ઉભા થયા. તે સમયે ગાર્ડઝે તેઓને ટેકો પણ આપ્યો.

જો કે ટ્રમ્પ તો ટ્રમ્પ છે. આ પછી પણ મુઠી ઊંચી કરી પોતાની દુર્ધષતા દર્શાવી દીધી હતી. તે સમયે પાછળ અમેરિકાનો ધ્વજ પણ સીસીટીવી ફુટેજમાં દેખાતો હતો.

પછી ટ્રમ્પે યુ.એસ. સીક્રેટ સર્વિસ અનએ કાનૂન રક્ષકનો આભાર માનતાં તેઓએ જે ઝડપથી કાર્યવાહી કરી તેને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે જેવા મેં તે સણસણતા અવાજો સાંભળ્યા કે મને લાગ્યું કે કૈંક ખોટું બની રહ્યું છે, ત્યારે એક બુલેટ મારા જમણા કાનના ઉપરના ભાગે છરકો કરી ચાલી ગઈ અને લોહી વહેવા લાગ્યુ ત્યારે મને ખબર પડી કે શુ ં થઇ રહ્યું છે. ગોડ બ્લેસ અમેરિકા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબાર અંગે કહ્યું કે તેઓ આથી ઘણા જ ચિંતાગ્રસ્ત બની ગયા છે.

ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનારની ઓળખ થોમસ મેથ્યુ ક્રૂક તરીકે થઇ છે તેની વય ૨૦ વર્ષની હોવાનું જાણવા મળી છે. તે રીપબ્લિકન વૉટર તરીકે નોંધાયો હતો. (પેન્સીલિયામાં) અને બેથેલ પાર્કનો રહેવાસી હતો. જાન્યુ-૨૦, ૨૦૨૧માં ટ્રમ્પની જ્યારે શપથવિધિ થઇ ત્યારે તેમે રીપબ્લિકન પાર્ટીને ૧૫ ડોલરનું અનુદાન પણ કર્યું હતું. પરંતુ તેણે ટ્રમ્પ ઉપર શા માટે ગોળીબાર કર્યો તે પ્રશ્ન હજી અનુત્તર રહ્યો છે.

આશ્ચર્ય તો તે વાતનું છે કે ટ્રમ્પની રેલીમાં ગોળીબાર કરનારો એ યુવાન સ્કુલમાં તો મેથેમેટિક્સમાં વિઝાર્ડ કહેવાતો હતો. તેને ૫૦૦ ડોલરનું ઇનામ પણ મળ્યું હતું.


Google NewsGoogle News