શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો : એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો : એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય 1 - image


- પેરિસ ગેમ્સ : મનુ -સરબજોતની જોડીને 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ

- મનુએ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો : અગાઉ 1900ના ઓલિમ્પિકમાં પ્રિચાર્ડે બે સિલ્વર જીત્યા હતા

પેરિસ : ભારતની મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઈવેન્ટ બાદ સરબજોત સિંઘ સાથે મળીને ૧૦ મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો.  આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતીય રમત ઈતિહાસની સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતને બીજા મેડલ તરીકે પણ બ્રોન્ઝ મળ્યો હતો અને તે શૂટિંગમાં જ હાંસલ થયો હતો. નોંધપાત્ર છે કે, શૂટિંગની ટીમ ઈવેન્ટમાં ભારતે આ પહેલીવાર ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. મનુએ રવિવારે જ ૧૦ મીટર એર પિસ્તોલનની વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

મનુ ભાકર અગાઉ એક જ ઓલિમ્પિકમાં ભારતના કોઈ ખેેલાડીએ બે મેડલ જીત્યા હોય તેવી ઘટના વર્ષ ૧૯૦૦ના પેરિસ ઓલિમ્પિકમાં  બની હતી. ત્યારે ભારતમાં જન્મેલા બ્રિટિશ નાગરિક નોર્મન પ્રિચાર્ડે એથ્લેટિક્સની બે જુદી-જુદી સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. આ પ્રકારે જોતા મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી પણ બની છે. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મહિલા ખેલાડી તરીકે મનુએ બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુની બરોબરી કરી લીધી છે. સિંધુએ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને ૨૦૨૦ ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  

પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર રાઈફલની મિક્સ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોત સિંઘની જોડીએ સાઉથ કોરિયાના ઓહ યે-જીન અને લી વોન્હોની જોડીએ ભારે રસાકસી બાદ ૧૬-૧૦થી પરાજય આપ્યો હતો. 

સર્બિયાના ઝોરાના અરૂનોવિચ અને ડામિર મિકેચની જોડીએ ૧૬-૧૪થી તુર્કીના સેવ્વાલ ઈલાયબા તહરાન અને યુસુફ ડિકેચને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.  ભારતની ડબલ બ્રોન્ઝ મેડાલીસ્ટ મનુ ભાકરે કહ્યું કે, હું ગૌરવ અનુભવી રહી છું અને મારા પર આશીર્વાદ વરસાવવા બદલ બધાનો આભાર માનું છું. જ્યારે સરબજોતે વ્યક્તિગત સ્પર્ધાની નિષ્ફળતાને ભૂલાવીને ભારે આત્મવિશ્વાસ ભર્યો દેખાવ કરતાં મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મનુ ભાકરની પેરિસ ઓલિમ્પિકમાં સિદ્ધિ

- એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ ખેલાડી અને શૂટર.

- ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા શૂટર.

- એર પિસ્તોલ સ્પર્ધામાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા.

- ઓલિમ્પિકમાં પહેલીવાર ભારતને શૂટિંગની ટીમ ઈવેન્ટમાં (મનુ ભાકર-સરબજોત)માં મેડલ.

- વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ એમ બંનેમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય. 


Google NewsGoogle News