પાકિસ્તાનમાં ચોંકાવનારો હત્યાકાંડ, ભોજનમાં ઝેર આપી એક જ પરિવારના 11ની હત્યા
પરિવારનો એક વ્યક્તિ 2 દિવસ બાદ ઘરે આવ્યો, ત્યારે ઘટનાનો ખુલાસો થયો
Shocking Accident In Pakistan : પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતના લક્કી મારવત વિસ્તારમાં ચોંકાવનારો હત્યા કાંડ સામે આવ્યા છે, જેમાં ભોજનમાં ઝેર આપી એક જ પરિવારના 11 લોકોને મોતને ઘાટ ઉતારાયા છે. હાલ પોલીસે તમામ મૃતદેહો કબજે કર્યા છે. તપાસ મુજબ હુમલાખોરે હત્યાકાંડ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના મૃતક સભ્યોમાં 2 ભાઈ, તેમના બાળકો અને તેમના ઘરે આવેલ મહેમાન સામેલ છે. પરિવારનું અન્ય સભ્ય ઘરે આવ્યું ત્યારે આ ઘટનાની જાણ થઈ છે.
2 દિવસ પહેલા થયું મૃત્યુ
મળતા અહેવાલો મુજબ તમામના મોત 2 દિવસ પહેલા થયા હતા. પોલીસે કહ્યું કે, ઝેરી ખોરાક આપી તમામને મોતને ઘાટ ઉતારાયા છે. તપાસ મુજબ હુમલાખોર પરિવારનો પરિચિત હોઈ શકે છે, કારણ કે તેણે ઘરમાં ઘૂસી ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના બાદ હુમલાખોર બહારથી દરવાજો બંધ કરી ત્યાંથી ફરાર થઈ ગયો છે.
અજાણ્યા વ્યક્તિનું કારસ્તાન?
પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે, પરિવારના કોઈ સભ્યએ 2 દિવસ પહેલા જ વજીરિસ્તાનથી ખોરાક ખરીદ્યો હતો. તે ખાધા બાદ તમામના મોત થયા. હાલ પોલીસ વિસ્તારના આસપાસ લોકોની પૂછપરછ કરી રહી છે અને હાલ આ વિસ્તારને બંધ કરી દેવાયો છે. મૃતકના ઘરે કોઈ અજાણ્યો વ્યક્તિ પણ આવ્યો હોવાનું આસપાસના લોકોએ કહ્યું છે.