રેડ સીમાં વધુ બે જહાજો પર હુથી જૂથનો ડ્રોન હુમલો, એક જહાજ ભારત આવી રહ્યુ હતુ
નવી દિલ્હી,તા.7.ફેબ્રુઆરી.2024
અમેરિકાના લાખ પ્રયાસો પછી પણ હૂતી બળવાખોરોના વેપારી જહાજો પરના હુમલા રોકાઈ રહ્યા નથી.મળતી વિગતો પ્રમાણે હુથી જૂથ દ્વારા એક જ દિવસમાં બે જહાજો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.બ્રિટિશ સેનાના મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન વિભાગે કહ્યુ હતુ કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગ બાદ લેટેસ્ટ મામલામાં બે જહાજો પર યમનના દક્ષિણમાં આવેલા એડન શહેર નજીક દરિયામાં હુમલો થયો છે.
આ બંને જહાજો અનુક્રમ માર્શલ આઈલેન્ડ તેમજ ગ્રીક દેશોના છે.આ પૈકીનુ એક જહાજ અમેરિકાથી ભારત આવી રહ્યુ હતુ.જોકે જહાજોને થોડુ નુકસાન થયુ છે પણ કોઈ જાનહાની થઈ નથી.બીજી તરફ હુથી જૂથ ના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ કહ્યુ હતુ કે, અમે રેડ સીમાં બે જહાજો પર હુમલો કર્યો છે.જોકે તેમણે ભારત આવી રહેલા જહાજ પર હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
અમેરિકન સેનાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, વિસ્ફોટકો સાથેના બે ડ્રોન જહાજો સાથે ટકારાયા હતા.અમારી નૌસોના વેપારી જહાજો માટે સમુદ્રી જળમાર્ગોને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબધ્ધ છે.