37 વર્ષની વયે થાઈલેન્ડના વડાંપ્રધાન બન્યા શિનાવાત્રા, બનાવ્યો અનોખો રેકોર્ડ: એક જ પરિવારમાંથી ત્રીજા PM
Image: Facebook
Paetongtarn Shinawatra: થાઈલેન્ડની સંસદે પૈતોંગતાર્ન શિનાવાત્રાને વડાંપ્રધાન પદ માટે પસંદ કર્યાં છે. તેઓ દેશના સૌથી યુવાન વડાંપ્રધાન છે. 2 દિવસ પહેલાં જ થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને પદ પરથી બરતરફ કરી દીધાં હતાં. તેમની પર નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરીને એક પૂર્વ ગુનેગારની કેબિનેટમાં નિમણૂક કરવાનો આરોપ હતો.
37 વર્ષના પેતોંગતાર્ન થાઈલેન્ડના પૂર્વ વડાંપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાના દીકરી છે. તેમના પિતા સિવાય તેમના કાકી યિંગલક પણ થાઈલેન્ડના વડાંપ્રધાન રહી ચૂક્યાં છે, તેઓ દેશના સૌથી યુવાન અને બીજા મહિલા વડાંપ્રધાન છે.
પરિવારમાંથી ત્રીજા વડાંપ્રધાન
શિનાવાત્રા પોતાના પરિવારના ત્રીજા સભ્ય છે જે આ પદ સુધી પહોંચ્યા છે. તેમના પિતા થાકસિન શિનાવાત્રા ગયા વર્ષે જ 15 વર્ષના દેશનિકાલ બાદ દેશ પરત ફર્યાં હતાં. થાકસિનને વર્ષ 2001માં પહેલી વખત થાઈલેન્ડના વડાંપ્રધાન પસંદ કરવામાં આવ્યા હતાં પરંતુ 2006માં તખ્તાપલટ બાદ તેમનો દેશનિકાલ થઈ ગયો. થાઈલેન્ડના રાજકારણમાં પેતોંગતાર્ન ખૂબ લોકપ્રિય છે. ગત ચૂંટણીઓમાં પણ તેમણે ગર્ભવતી હોવા છતાં ખૂબ પ્રચાર કર્યો હતો. તેમની ફ્યૂ થાઈ પાર્ટી 2023 ની ચૂંટણીમાં બીજા સ્થાને હતી. તેમના પરિવારની પણ થાઈલેન્ડના રાજકારણમાં સારી પકડ રહી છે. આ કારણ છે કે તેમને જનતાનું ખાસ્સું સમર્થન મળ્યું છે.
શ્રેથા થાવિસિનને શા માટે હટાવવામાં આવ્યા?
લગભગ 48 કલાક પહેલા થાઈલેન્ડની બંધારણીય કોર્ટે શ્રેથા થાવિસિનને વડાંપ્રધાન પદથી બરતરફ કરી દીધાં હતાં. તેમની પર જેલની સજા કાપી ચૂકેલા એક વકીલને કેબિનેટ મંત્રી બનાવવાનો આરોપ હતો. કોર્ટના જણાવ્યા અનુસાર શ્રેથાએ આ પ્રકારની નિમણૂક કરીને બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જોકે કોર્ટના નિર્ણય બાદ થાવિસિને પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમને નિયમોની સંપૂર્ણ જાણકારી નહોતી.
શ્રેથાએ પિચિત ચુએનબનને કેબિનેટમાં સ્થાન આપ્યુ હતું, પિચિતને 2008માં સુપ્રીમ કોર્ટના અધિકારીઓને લાંચ આપવાનો પ્રયત્ન કરવા માટે 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે માન્યું છે કે શ્રેથાને પિચિત સાથે જોડાયેલા કેસની સારી રીતે જાણકારી હતી. શ્રેથા થાવિસિન ગયા વર્ષે 2023માં થયેલી ચૂંટણીમાં જ જીતીને વડાંપ્રધાન બન્યા હતાં. લગભગ એક વર્ષ બાદ કોર્ટની બરતરફીને કારણે તેમની સરકાર પડી.