શેખ હસીનાએ ચિન્મય કૃષ્ણદાસને મુકત કરવાની માંગ કરી, ઇસ્કોને કરી આવી સ્પષ્ટતા
શેખ હસીના બાંગ્લાદેશમાં બળવો પછી ભારતમાં આશ્રય લઇ રહયા છે,
કૃષ્ણદાસની ધરપકડને અન્યાયી ગણાવી, ગુનેગારોને દંડિત કરવાની માંગ
નવી દિલ્હી,૨૮ નવેમ્બર,૨૦૨૪,ગુરુવાર
બાંગ્લાદેશની અપદસ્થ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સરકારની ચિન્મય કૃષ્ણદાસની ધરપકડના મુદ્વે આકરી ટીકા કરી છે. તેમણે ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણદાસની અરેસ્ટને અન્યાયપૂર્ણ ગણાવીને તાત્કાલિક મુકત કરવાની વિનંતી કરી છે. 26 નવેમ્બર કોટવાલી થાણેમાં દેશદ્રોહના કેસમાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહી બાંગ્લાદેશની કોર્ટ બહાર એક વકીલની હત્યાની ઘટનાની પણ નિંદા કરીને ગુનેગારોને કડક સજા આપવાની માંગ કરી હતી.
અસંવૈધાનિક રીતે સત્તા પડાવી લેનારી યુનુસ સરકાર આંતકવાદીઓને દંડિત કરવામાં નિષ્ફળ રહેશે તો માનવાધિકારના ઉલંઘન હેઠળ સજા ભોગવવી પડશે. બાંગ્લાદેશની પ્રજાને હસીનાએ આતંકવાદ અને ઉગ્રવાદ વિરુધ એકજૂટ થવાની અપીલ કરી હતી. હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે સત્તા ઉથલાવનારા તમામ પાસાઓથી નિષ્ફળ સાબીત થઇ રહયા છે.
સનાતન ધર્માવલંબીને ખોટી રીતે પકડવામાં આવ્યા છે. ચટગાંવમાં એક મંદિરને આગને હવાલે કરી દેવામાં આવ્યું છે. અહેમદીયા સમુદાયની મસ્જિદો, દરગાહો, ચર્ચો, મઠો અને ઘરો પર હુમલા થઇ રહયા છે. તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે. તમામ સમુદાયના લોકો ને ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઇએ એટલું જ નહી તેમના જાનમાલની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઇએ.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડની ઘટના અંગે ઇસ્કોને આ સ્પષ્ટતા કરી
જો કે રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના મોટા વિવાદ વચ્ચે, ઇસ્કોન બાંગ્લાદેશે ગુરુવારે ચિન્મય કૃષ્ણ દાસથી પોતાને અલગ કરી દીધી છે. ઇસ્કોને કહ્યું છે કે તેમની પ્રવૃતિઓ ધાર્મિક સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતી નથી. ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે ચિન્મય પ્રભુને શિસ્તના ભંગ બદલ સંસ્થાના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓ ઇસ્કોનની પ્રવૃત્તિઓ નથી. કેટલાક લોકો દ્વારા ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવા જેવી ગેરવાજબી માંગણીઓ કરવામાં આવી રહી છે.