શેખ હસીનાની ભત્રીજીનો બ્રિટન સરકારમાં મંત્રી પદેથી રાજીનામું, ભ્રષ્ટાચારના આરોપ બાદ નિર્ણય
Tulip Siddiq resigned From Britain Minister Post | બ્રિટનમાં નાણાકીય સેવાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે જવાબદાર બ્રિટિશ મંત્રી ટ્યૂલિપ સિદ્દીકએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે આ નિર્ણય તેમના કાકી અને બાંગ્લાદેશમાંથી નાસી ગયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથેના નાણાકીય સંબંધો અંગેના વિવાદ બાદ લીધો હતો.
વડાપ્રધાનની લોકપ્રિયતાને ફટકો!
ટ્યૂલિપ સિદ્દીક (42) એ કંઈ પણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. ગયા અઠવાડિયે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પણ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, બે મહિનામાં બીજી વખત કોઈ મંત્રીનું રાજીનામું સ્ટાર્મર માટે મોટો ફટકો મનાઈ રહ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત બાદ સ્ટાર્મરની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
વડાપ્રધાનને મોકલ્યું રાજીનામું
બ્રિટનમાં ચૂંટણીઓ બાદ ટ્યૂલિપ સિદ્દીકને નાણાકીય સેવા નીતિનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો હતો. જેમાં મની લોન્ડરિંગ સામે પગલાં લેવાની જવાબદારીનો પણ સમાવેશ થાય છે. સ્ટાર્મરને લખેલા રાજીનામા પત્રમાં ટ્યૂલિપ સિદ્દીકએ કહ્યું કે તેમનું પદ સરકારના કામકાજમાં વિક્ષેપ પેદા કરી શકે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે સ્વતંત્ર સમીક્ષાએ પુષ્ટિ આપી છે કે મેં મંત્રી આચારસંહિતાનો ભંગ કર્યો નથી અને એવો કોઈ પુરાવો નથી કે મેં અયોગ્ય વર્તન કર્યું છે.
હવે કોણ સંભાળશે આ પદ?
બીજી બાજુ સરકારના નૈતિક સલાહકારે કહ્યું કે ટ્યૂલિપે બાંગ્લાદેશ સાથેના તેના પરિવારના સંબંધોના સંભવિત જોખમો વિશે વધુ કાળજી રાખવી જોઈતી હતી. બીજી તરફ, સ્ટાર્મરે ટ્યૂલિપના સ્થાને એમ્મા રેનોલ્ડ્સની નિમણૂક કરી છે. એમ્મા અત્યાર સુધી સરકારમાં પેન્શન મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
તપાસ દરમિયાન ટ્યૂલિપનું નામ સામે આવ્યું
શેખ હસીના 2009 થી બાંગ્લાદેશમાં સત્તામાં હતા, પરંતુ હાલમાં તેઓ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. જોકે, શેખ હસીના અને તેમના પક્ષે કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. ડિસેમ્બરમાં બાંગ્લાદેશની તપાસમાં ટ્યૂલિપ સિદ્દીકનું નામ સામે આવ્યું હતું કે શું તેમનો પરિવાર બાંગ્લાદેશી માળખાકીય પ્રોજેક્ટ્સમાંથી ભંડોળના દુરુપયોગમાં સામેલ હતો. ભ્રષ્ટાચાર વિરોધી પંચે 12.65 અબજ યુએસ ડોલરના પરમાણુ ઉર્જા કરારની ફાળવણીમાં અબજો ડોલરની નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો, જેનાથી શેખ હસીના અને ટ્યૂલિપ સિદ્દીકને ફાયદો થયો હોઈ શકે છે.