નાસવા જતાં મંત્રીઓને પકડ્યા, દોરડા વડે બાંધીને લઈ ગઈ પોલીસ, શેખ હસીનાના સાથીઓ પર તવાઈ
Bangaladesh News | બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના રોકાણ બાબતોના સલાહકાર સલમાન એફ રહેમાન અને પૂર્વ કાયદામંત્રી પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેમના પર ડબલ મર્ડરનો આરોપ મૂકાયો હતો.
બાંગ્લાદેશના હિન્દુ નેતાઓએ 278 સ્થળોએ હુમલાનો આરોપ લગાવ્યો
બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વોચ્ચ સંસ્થાએ જણાવ્યું હતું કે 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. સર્વોચ્ચ સંસ્થાએ તેને 'હિંદુ ધર્મ પર હુમલો' ગણાવ્યો હતો.
હિન્દુઓના ઘરો બાળી નાખ્યા
બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સના સભ્યોએ પણ તાજેતરના દિવસોમાં હુમલામાં થયેલા વધારા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે 'આ દેશમાં અમારો પણ અધિકાર છે, અમારો જન્મ અહીં થયો છે.' વડાંપ્રધાન હસીનાએ દેશ છોડ્યા પછી, લઘુમતી હિન્દુ વસ્તીને ઘણા દિવસો સુધી હિંસાનો સામનો કરવો પડ્યો. તેમના ઘરો અને દુકાનો બાળી નાખવામાં આવી. તેમની મિલકતો નાશ પામી હતી.