Get The App

શેખ હસીના તો બચી ગયા, અમને બચાવો...: વિઝા વગર ભારતમાં આશરો લેવા માંગે છે બાંગ્લાદેશી નેતાઓ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
શેખ હસીના તો બચી ગયા, અમને બચાવો...: વિઝા વગર ભારતમાં આશરો લેવા માંગે છે બાંગ્લાદેશી નેતાઓ 1 - image


Bangladesh Violence: બાંગ્લાદેશમાં છેલ્લા 15 વર્ષથી સરકાર ચલાવી રહેલા શેખ હસીનાએ સોમવારે પી. એમ. પદ પરથી રાજીનામું આપી દીધું અને તેઓ હેલિકૉપ્ટર દ્વારા ભારત આવી ગયા. હાલમાં તેઓ ભારતમાં જ છે અને અહીંથી તેઓ બ્રિટન જઈ શકે છે. બ્રિટનથી રાજકીય શરણની મંજૂરી મળ્યા બાદ તેઓ લંડન જઈને રહેવા માંગશે. આમ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાંથી કોઈક રીતે નીકળીને તેઓ ભારતમાં આવી ગયા છે. આ વચ્ચે બાંગ્લાદેશમાં તેમની પાર્ટી અવામી લીગના નેતાઓના ઘર પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, આ નેતાઓને પોતાનો જીવ બચાવવાના ફાંફા પડી રહ્યા છે.

ભારત-બાંગ્લાદેશ બૉર્ડર પર હાઇઍલર્ટ

હવે આ નેતાઓ પણ ભારતમાં આશરો આપવા માટે અપીલ કરી રહ્યા છે. ભારતે 4,096 કિ.મી. લાંબી બૉર્ડર પર હાઇઍલર્ટ કરી દીધું છે અને વધારાના સૈનિકો તેહનાત કરી દીધા છે. આ વચ્ચે અવામી લીગના ઘણા વરિષ્ઠ નેતાઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય લોકોએ અપીલ કરી છે કે, ભારત અમને જમીન માર્ગથી સરહદની અંદર પ્રવેશવાની મંજૂરી આપે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે શેખ હસીનાની પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર મશરફે મૂર્તઝાનું ઘર દેખાવકારોએ ફૂંકી માર્યું છે. આ ઉપરાંત એક મેયરના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી જેમાં ત્રણ લોકો અંદર જીવતા સળગી ગયા હતા. જેના કારણે શેખ હસીના સરકારમાં સામેલ નેતાઓમાં ભયનો માહોલ છે. આ નેતાઓ હવે ભારતમાં જ આશ્રય માંગી રહ્યા છે.

વિઝા વગર ભારતમાં આશરો લેવા માંગે છે બાંગ્લાદેશી નેતાઓ 

સમસ્યા એ છે કે આમાંના ઘણા નેતાઓ પાસે વિઝા અને પાસપોર્ટ પણ નથી જેના દ્વારા તેઓ દિલ્હી આવી શકે. ભારતના અવામી લીગના નેતાઓ સાથે સારા સંબંધો છે. 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પણ ભારતે મદદ કરી હતી. તે આંદોલનનું નેતૃત્વ શેખ મુજીબુર રહેમાને કર્યું હતું, જેમને બંગબંધુનું બિરુદ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશી નેતાઓની સમસ્યા એ છે કે ઢાકાનું ઍરપૉર્ટ બંધ છે અને નિયમિત ફ્લાઇટ્સ પણ ઠપ છે. આવી સ્થિતિમાં આ લોકો પાસે એક જ વિકલ્પ છે કે, તેઓ ત્રિપુરા અને બંગાળની સરહદોથી ભારતમાં પ્રવેશ કરે. 

પૂર્વ ગૃહમંત્રીના ઘરને આગ ચાંપી, મહાસચિવ તો ગુમ જ થઈ ગયા

બાંગ્લાદેશમાં એ જૂનો ઇતિહાસ રહ્યો છે કે તખ્તાપલટ બાદ જે નેતાઓ અગાઉ સત્તામાં હતા તેમની હત્યા કરી નાખવામાં આવી. આવી સ્થિતિમાં શેખ હસીનાએ દેશ છોડી દીધા બાદ અન્ય નેતાઓ પણ ઇચ્છે છે કે એમને ક્યાંક સુરક્ષિત આશરો મળે. શેખ હસીના સરકારમાં ગૃહમંત્રી રહેલા અસદુઝમાન કમાલના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અવામી લીગના મહાસચિવ અબ્દુલ કાદર તો ગાયબ જ છે. રવિવારથી તેમના વિશે કોઈ માહિતી નથી મળી. હાલમાં અવામી લીગના નેતાઓ પરસ્પર પણ સંપર્ક નથી કરી શકતા અને કોઈક રીતે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


Google NewsGoogle News