બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન: કહ્યું- જેમણે અલગ રાષ્ટ્ર તરીકે ઓળખ આપી, તેમનું જ અપમાન કરાયું
Sheikh Hasina : બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ વડાંપ્રધાન છોડીને ભાગવા મજબૂર હસીનાનું રાજીનામાં બાદ પહેલું નિવેદન આવ્યું છે. તેમણે તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું અપમાન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે.
15મી ઓગસ્ટે મનાવો શોક દિવસ
શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જૉયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેખ હસીનાનું નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે બાંગ્લાદેશીઓને અપીલ કરી છે કે 15મી ઓગસ્ટે ગરિમા અને ગંભીરતા સાથે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવે. બંગબંધુ ભવનમાં પુષ્પ માળા અર્પણ કરી તમામ આત્માઓની મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે.
શેખ હસીનાએ કહ્યું છે, કે '15 ઓગસ્ટ 1075ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી. તે સમયે મારી માતા, 10 વર્ષના શેખ રસેલ સહિત મારા ત્રણેય ભાઈઓની પણ નિર્મમ હત્યા કરવામાં આવી. લકવાગ્રસ્ત કાકા અને સ્વતંત્રતા સેનાની શેખ નાસીરને પણ ન છોડ્યા. 15 ઓગસ્ટે શહીદ થયેલ તમામ લોકોની આત્માને શાંતિ મળે તેવી મારી પ્રાર્થના.'
કડક સજાની માંગ
તેમણે વધુમાં કહ્યું છે, કે 'જુલાઇથી અત્યાર સુધીમાં આંદોલનના નામે તોડફોડ, આગચંપી અને હિંસામાં જીવ ગુમાવનાર તમામ લોકોની આત્માને શાંતિ મળે તે માટે હું પ્રાર્થના કરું છું. આ હિંસામાં જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું માંગ કરું છું કે હત્યા અને તોડફોડમાં સામેલ તમામ દોષિતોને કડક સજા આપવામાં આવે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન શેખ મુજીબુર રહેમાનની મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. સાથે સાથે તેમની યાદમાં સમર્પિત સ્મારકમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. શેખ હસીનાએ આ મુદ્દે કહ્યું છે, કે 'જે શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશને સ્વતંત્ર રાષ્ટ્ર રૂપે આત્મસન્માન, ઓળખ મળી તેમનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. હું દેશવાસીઓથી ન્યાયની અપેક્ષા રાખું છું.