દેશ છોડીને ભાગનારા કૌભાંડીઓ અને નેતાઓની પહેલી પસંદ બ્રિટન કેમ છે? જાણો આ દેશના કાયદા અને નિયમો
Britain The First Choice For Scammers : બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને પોતાના દેશમાંથી કાઢી નાખવામાં આવતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન હસીના ભારતમાં છૂપાઈને રહેવા મજબૂર બન્યા છે. બીજી તરફ, તેઓ બ્રિટન જવાની તૈયારીમાં છે. આ બધા વચ્ચે એક વિચારવા જેવી વાત છે કે હસીના હોય કે ભારતથી ભાગેલા નીરવ મોદી અને વિજય માલ્યા, આ બધા લોકો એક માત્ર દેશ બ્રિટન જ કેમ જાય છે એ પ્રશ્ન ઊભો થાય છે.
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ... બધાને બ્રિટન જવું છે
મળતી માહિતી પ્રમાણે, માત્ર ભારત દેશના લોકો જ બ્રિટન ભાગતા નથી, પરંતુ મોટાભાગના દેશના અમીર લોકો અને કોઈ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો બ્રિટન ભાગવાની તૈયારી બતાવતા જોવા મળે છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ, પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ સહિત બેનજીર ભુટ્ટો પણ જોવા મળે છે. મળતાં આંકડા પ્રમાણે, 2013થી 2018 સુધીના સમયગાળા દરમિયાન 5500 ભારતીયોએ બ્રિટનમાં જવા માટે અપીલ કરી હતી.
હસીના બ્રિટન શા માટે જાય છે?
નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાને ભારત હજુ સુધી લાવવામાં આવ્યા નથી, તેના પરથી સાબિત થાય છે કે બધાને બ્રિટન કેમ જવું છે. ત્યારે હસીનાને પણ એ વાતનો અહેસાસ છે કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ તેમની સામે કેસ થવાની સાથે જેલ પણ થઈ શકે છે. એટલે તેઓ પોતાના બચાવ માટે બ્રિટનની શરણે જવાનું વિચારી રહ્યા છે. આમ બ્રિટન પહોંચીને તેઓ સહેલાઈથી સાબિત કરી શકશે કે બાંગ્લાદેશમાં તેમના જીવને જોખમ છે.
બ્રિટન અને માનવ અધિકારના નિયમો
બ્રિટનને માનવાધિકાર સંબંધિત યુરોપિયન કન્વેન્શનના નિયમોમાં દૃઢ વિશ્વાસ છે. બ્રિટન આ તમામ નિયમોનું કડકપણે પાલન કરતું હોવાથી બધા ભાગેડુઓ અને અન્ય મોટા લોકોને લાગે છે કે જો તેઓ અહીં પહોંચશે તો તેમનું સરળતાથી પ્રત્યાર્પણ કરી શકાશે નહીં. બ્રિટનની ન્યાય વ્યવસ્થા એવી છે કે, જો આશ્રય માંગનાર વ્યક્તિને લાગે કે તેને તેના દેશમાં જીવનું જોખમ છે, ત્યાં તેના પર અત્યાચાર થઈ શકે છે, તો તેવા કિસ્સામાં તે પ્રત્યાર્પણ અટકાવવાની માંગ કરી શકે છે. આ પ્રકારની રાહત ભાગેડુ અને કેટલાક મોટા નેતાઓને મહત્ત્વપૂર્ણ લાગે છે.
બ્રિટનમાં મિની ઇન્ડિયા કહી શકાય તેવા ઘણા વિસ્તારો
ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની બ્રિટન પહેલી પસંદ હોવાથી ત્યાં આ ત્રણેય દેશોના લોકોની વસ્તી વધુ જોવા મળે છે. જ્યારે હાલમાં બ્રિટનમાં મિની ઇન્ડિયા કહી શકાય તેવા ઘણા વિસ્તારો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ભારતીય ખોરાક મેળવવો મુશ્કેલ ન હોવાથી લોકો ત્યાં સરળતાથી જીવી શકે છે. બીજી તરફ, અંગ્રેજોએ ભારત પર ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું. ઇંગ્લૅન્ડમાં જે કાયદાઓ અસ્તિત્વમાં હતા તે જ ભારતમાં પણ જોવા મળતા હતા. નિષ્ણાતો માને છે કે ભારત અને બ્રિટનની કાયદાકીય વ્યવસ્થા સમાન હોવાથી વકીલોને પણ બન્ને દેશના કાયદાની સારી સમજ છે. જેથી ભાગેડુઓને તેનાથી ઘણી મદદ મળે છે.
કાનૂની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાથી ઘણાં વર્ષો સુધી નિર્ણય લેવાતો નથી
બીજી રસપ્રદ વાત એ છે કે, બ્રિટન પ્રત્યાર્પણની ઘણી અપીલ સ્વીકારે છે. ભારતની વાત કરીએ તો કેટલાય લોકો માટે 9થી 10 વખત પ્રત્યાર્પણની અપીલ કરવામાં આવી છે, પરંતુ બ્રિટન દ્વારા તેને માત્ર એક જ વખત સ્વીકારવામાં આવી હતી. જેને લઈને અનેક કારણો જોવા મળે છે, જેમાં સૌથી સામાન્ય કારણ એ છે કે ત્યાં કાનૂની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાથી ઘણાં વર્ષો પસાર થયા પછી પણ નિર્ણય લેવામાં આવતો નથી. જ્યારે ભાગેડુઓ આનો લાભ ઉઠાવીને વર્ષો સુધી આરામથી જીવે છે.